ડૉ. આઈ.કે.વીજળીવાલા ~ એક દિ’ મમ્મી
એક દિ’ મમ્મી નાની થઈ ગઈ ને હું થઈ ગઈ મોટી
મેં એને નવડાવી, લઈ સાબુની ગોટી
ભેંકડા એણે બહુ જ તાણ્યા, કર્યું બહુ તોફાન
મેં પણ એનું માથું ધોયું, પકડીને બે કાન
તૈયાર કરી માથે એને લઇ દીધી બે ચોટી
એક દિ’ મમ્મી નાની થઈ ગઈ ને હું થઈ ગઈ મોટી….
એને ભલે રમવું હોય પણ લેસન હું કરાવું
વ્હેલી વ્હેલી ઉઠાડી દઉં, બપોરે સુવરાવું
બપોર વચ્ચે ગીતો ગાય તો ધમકાવું લઇ સોટી
એક દિ’ મમ્મી નાની થઈ ગઈ ને હું થઈ ગઈ મોટી….
દોડાદોડી કરે કદી તો બૂમબરાડા પાડું
ચોખ્ખી લાદી બગાડે તો ફટકારી દઉં ઝાડુ
તોફાન કરે તો ખીજાતી, આંખો કાઢી મોટી
એક દિ’ મમ્મી નાની થઈ ગઈ ને હું થઈ ગઈ મોટી….
~ ડૉ. આઇ.કે.વીજળીવાલા
દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ 154 > 16 સપ્ટેમ્બર 2014 * લતા હિરાણી
કેવી મજ્જા પડી ગઇ નહીં ? ડો. આઇ.કે.વીજળીવાળાએ ઘણા સુંદર પ્રેરણાત્મક પુસ્તકો આપ્યા છે એમાં આ બાળગીત નાનકડા ચમકતા તારલા જેવું છે. આ એક બાળકીની વાત છે, એના જ મુખમાં. વાતો નાની નાની છે પરંતુ એ આપણા માટે એટલે કે મોટા માટે. બાળક માટે આ બહુ મોટી વાતો છે. મોટી સમસ્યાઓ છે. ભલેને એ મમ્મી તરફથી જ કેમ ન હોય ?
મમ્મી જે જે એવાં કામ કરે છે જે બાળકને પસંદ નથી એનો આમાં પડઘો છે. આ નાનકડી બાળકીને મોટાં થઇ જવું છે અને પછી મમ્મીની સાથે એ જ કરવું છે, જે આજે મમ્મી પોતાની સાથે કરે છે.
ચાલો, આપણે આ બાળકીનું નામ સ્વીટી રાખીએ. સ્વીટીની મમ્મી શું કરે છે ? સ્વીટીને જ્યારે નહાવું ન હોય ત્યારે નવડાવે છે. સ્વીટી તોફાન કરે તો બે કાન પકડીને બેસાડી દે છે અને માથું ધોઈ દે છે. એને નહાવું નથી એટલે એ ભેંકડા તાણે છે, રડે છે. કારણ કદાચ એ છે કે સાબુ આંખમાં જાય છે ને આંખ બળે છે !! ભાઇ, એવું તો મમ્મીએ ધ્યાન રાખવું પડે ને !! પછી મમ્મી સ્વીટીના વાળની ચોટી લઈ દે છે. બની શકે કે મમ્મીને ઘરના કામની ઉતાવળ હોય એટલે જલ્દી કરવામાં એના વાળ ખેંચાતા હોય !!
સ્વીટીને રમવું છે, બહાર સોસાયટીમાં બધી ફ્રેન્ડ્ઝ ભેગી થઇ છે અને રમે છે પણ પોતાને મમ્મી લેસન કરવા બેસાડી દે છે. સ્વીટી કહે પણ મમ્મી માનતી નથી, ‘ના, પહેલાં લેસન પતાવ, પછી જ જવાનું.’ સવારમાં એવી મસ્ત ઊંઘ આવતી હોય પણ મમ્મી એને વહેલાં ઉઠાડી જ દે અને બપોરે રમવું હોય, સુવું ન હોય તોય સુવડાવી દે !! એટલું જ નહીં, જો ગીતો ગાય તો પાછી ધમકાવે ! હદ થઇ ગઇ ને ! તમે જ કહો, એક નાનું બાળક દોડાદોડી ન કરે તો શું કરે ? બાળક ઓછું શાંત થઇને બેસી રહે ? એવું કરે તો પછી બાળક અને મોટામાં ફેર શું ? પણ મમ્મી આ નહીં સમજે. બસ તરત બૂમબરાડા પાડવાના શરુ કરી દેશે. ‘શાંતિ રાખ. એકબાજુ બેસીને રમ. વચ્ચે વચ્ચે ન આવ. મને કામ કરવા દે’ અને આવી કેટલીયે સૂચનાઓ….
બીજી વાત. સ્વીટી બહારથી રમીને આવે ત્યારે પગ તો ધૂળવાળા હોય જ ને ! એટલે લાદી બગડે જ.. પણ એય મમ્મીને પોસાય નહીં. ઝાડુ લઇને તરત મચી પડે ! અને સ્વીટીને વઢે એ જુદું. તમે જ કહો, થોડી ધૂળ ન ચલાવી લેવાય ? નાનું બાળક રમ્યા કરતું હોય. રમતાં રમતાં થોડીક મસ્તીયે કરે ! પણ મમ્મીને એ તોફાન લાગે ને તરત આંખો કાઢે ને ડરાવે, ધમકાવે….
બોલો, આવી છે મમ્મી. સ્વીટીને પાર વગરની ફરિયાદો છે. જો કે તોય રાત્રે તો મમ્મીના ખોળા વગર ઊંઘ નથી આવતી. મમ્મી ભાવતું જમવાનું બનાવીને ખવડાવે એય મીઠું લાગે છે. પણ સ્વીટી એટલે કે આ કવિતાની નાનકડી બાળનાયિકા કહે છે, મમ્મીની આ દાદાગીરી ન ચાલે. હવે તો એવું જ થવું જોઇએ કે એક દિવસ મમ્મી નાની થઇ જાય ને હું મોટ્ટી – એના જેવડી થઇ જાઉં. પછી મમ્મીને પાઠ ભણાવું. મમ્મી જે મારી સાથે કરે છે એ બધું જ કરું તો એનેય ખબર પડે કે કેવું લાગે છે !
હળવાશથી આ કવિતા આપણે માણી. બાળકની આ મીઠી ફરિયાદ સાચી જ છે પણ આપણે સમજીએ છીએ કે મમ્મીએ આ બધું કરવું પડે. બાળકને સ્વચ્છતા શીખવવી પડે. એને શિસ્ત શીખવવી પડે. સમયની કિંમત સમજાવવી પડે. વહેલાં સૂઈ વહેલાં ઊઠતાં મમ્મી નહીં શીખવે તો કોણ શીખવશે ? નાનાં બાળકને ભલે આ બંધનો લાગે પણ એના માટે આ ઉપયોગી છે. અલબત્ત એ ધ્યાન રાખવું બહુ જરૂરી છે કે કડકાઈ ક્યાંક વધારે પડતી ન થઈ જાય. શિસ્ત માટે આચરવામાં આવતી સખ્તાઇની ફરતું મૃદુતાનું કવચ હોવું બહુ જરૂરી છે. જે વ્હાલ કરે એને વઢવાનો હક છે જ પણ એમાં ક્યાં ભેદરેખા છે એ બધા વાલીઓ નથી સમજતા હોતા. એટલે એવું થાય છે, થયા કરે છે કે જ્યાં બાળકને અટકાવવાની જરૂર હોય, સમજાવવાની જરૂર હોય ત્યાં ખોટા લાડ થઇ જાય અને જ્યારે બાળકને હૂંફની જરૂર હોય, પ્રેમની જરૂર હોય ત્યાં ખોટી દેખાદેખીમાં, શાળાઓમાં ચાલતા યંત્રવત પ્રોજેક્ટસમાં અને હરિફાઇમાં બાળક ઉપર એટલો બધો બોજો લાદી દેવામાં આવે કે એ બાળપણના સહજ આનંદને ગુમાવી બેસે અને આવા ખોટા ચણતરનાં માઠાં પરિણામો જીવનભર ભોગવે !
આ કવિતામાં બાળકની ફરિયાદ છે ખરી પણ એમાં વ્હાલ વધુ વરતાય છે. આમ જુઓ તો આ મસ્તી છે, ફરિયાદ નથી પણ વાસ્તવિકતા એ છે કે બાળકને કેમ ઉછેરવું એ એક કલા છે, આવડત છે. બહુ ધીરજ માગી લે અને સમજણ માગી લે એવી વાત છે. માત્ર બાળકને જન્મ આપવાથી મા-બાપ નથી થઈ જવાતું. બાળકને જે સંસ્કાર, જે ઉછેર બાળપણમાં મળે છે એ જ એના જીવતરનો પાયો બને છે. જે એને નાની ઉંમરમાં મળે છે, મોટાં થઇને એ જ એના વર્તન-વ્યવહારમાંથી બહાર આવે છે, એ જ સમાજને પાછું મળે છે. બાળપણમાં ખૂબ માર ખાધેલ બાળક મોટા થતાં ગુનેગાર બને એમાં કોઇ નવાઇ નહીં. ઘરમાં સતત અન્યાયનો ભોગ બનેલ બાળક મોટા થતાં ભાંગફોડીના કામમાં પરોવાઇ જાય એવું બને. આજે સમાજમાં જે અરાજકતા, હિંસા, અન્યાય અને અશાંતિ જોવા મળે છે તો એના મૂળ શોધવા જાવ તો છેડો ચોક્કસ બાળપણમાં પહોંચે.
ખૂબ જ સરસ ભાવાત્મક બાળગીત
શ્રી આઈ કે વિજળીવાળા સાહેબની વરસોથી વાંચક છું..ખૂબ સરસ કલમને વંદન
આઈ. કે.સાહેબ ખુબ સરસ બાલગીત આપ્યુ બાળકો ના ડૉક્ટર છે બાળક ના ભાવો ને ખુબ સમજી શકે સાહેબ એક ઉત્તમ માનવતાવાદી ગરીબો ના બેલી ડૉક્ટર છે સાહેબ ની સેવાને પ્રણામ
મજ્જાનું બાળકાવ્ય
સરસ મજાનું બાળગીત
આદરણીય મિત્ર વિજળીવાલાની રચનાઓ, કે સંપાદિત સાહિત્ય સમાજ ઉપયોગી અને સકારાત્મક હોય છે. આ કાવ્ય સાથે આપનું વિવરણ પણ ખૂબ જ યોગ્ય છે.