શીતલ જોશી ~ જોવા જેવી

🥀🥀
જોવા જેવી હાલત થૈ ગઈ
ઘા પડવાથી રાહત થૈ ગઈ
વિશ્વાસે સૌ વહાણો ડૂબ્યાં
સાવ નજીવી બાબત થૈ ગઈ
ધિક્કારે છે એક અદાથી
એ જ અદાથી ચાહત થૈ ગઈ
પાણીદાર તમારી આંખો
ઈચ્છા મારી શરબત થૈ ગઈ
એક જ કટકો તેં આપ્યો ને
મારા ઘરમાં દાવત થૈ ગઈ
મારા જેવો મારો ખુદા
ધાર્યો તેથી ધરપત થૈ ગઈ
આંખોમાં લઈ આંસુ ‘શીતલ’
હસવું જાણે આદત થૈ ગઈ.
~ શીતલ જોશી
દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ 162 > 25 Nov. 2014 * લતા હિરાણી
પ્રેમમાં દીવાનગી કઇ હદ સુધી હોય ? કદાચ કોઇ હદ જ ન હોય ! ઘા પડવાથી ત્યાં કટકા ન થાય રાહત થાય… ઘા ખમવાની એટલી આદત થઇ ગઇ હોય, દગા એટલા મળ્યા હોય કે વિશ્વાસ તૂટવો સામાન્ય બાબત થઈ જાય ! પ્યારના તો સ્વપ્નાં જ રહે, ધિક્કારથીયે પ્યાર થઈ જાય ! ઈચ્છા જાણે શરબતનો જામ, હાથમાં આવતાં પહેલાં જ ફૂટી જાય !… મળવાનું કશું ન હોય, ન કોઈ આશા, ન અરમાન પણ કદીક જરી રહેમ નજરનો ટુકડો ફેંકાય ને મનનગરમાં મોજ થઇ જાય ! ‘આંખો મેં આંસુ ઔ’ હોટોં પે હંસી..યહી હૈ પ્યાર કી દિવાનગી !’
શાયર અહમદ ફરાઝે કહ્યું છે,
રંજિશ હી સહી, દિલ કો દુઃખાને કે લિયે આ
આ ફિર સે મુઝે છોડ કે જાને કે લિયે આ….
પ્રેમ પોતાની જાતને નિહાળવાનો, પોતાના અસ્તિત્વને જાણવાનો પડઘો છે પણ હંમેશા એવું બનતું નથી અને એટલે જ અરીસાની શોધ કરવી પડી હશે. અરીસો ન હોય તો પોતાનું અસ્તિત્વ છે એ વાત જ ભૂલાઈ જાય. પ્રેમના ગણિતમાં સામાન્ય અવયવ શૂન્ય જ છે.. સરવાળો, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર કરો.. જવાબ એક જ, શૂન્ય…દરેક પ્રેમી આ વાત પોકારી પોકારીને કહે છે અને તોયે દરેક વ્યક્તિ પ્રેમમાં પડવા માટે જીવનભર આતુર રહે છે, પ્રત્યેક પળ ઝંખે છે કોઈનો સાથ, કોઈની હૂંફ.. રડે છે ત્યારે એને આંસુ લૂછવા કોઈનો હાથ જોઇએ છે ને ઢળી પડવા કોઈનો ખભો.. આ દિલ નામનું અવયવ જ્યાં સુધી ધબકે છે ત્યાં સુધી વિશ્વમાં પ્રેમના મોજાં અવિરત ઉછળ્યા જ કરશે.. કવિ ચંદ્રેશ મકવાણા કહે છે,
આયખું આખું સતાવ્યો છે મને
રોજ કાપી રોજ વાવ્યો છે મને
જીતવાની ટેવમાં ને ટેવમાં
તેં ગમે ત્યારે હરાવ્યો છે મને……….
તોય પ્રેમની તરસ એવી ને એવી જ.. પાણીદાર આંખોમાં તર્યા કરતો અભાવ ભલે ભાવના કેટલાય સમંદર સૂકવી નાખે. એનો ધિક્કાર ને ધિક્કારવાનીયે અદા ! હા, એ અદાને છાતીએ વળગાડી શકાય. એના સહારે કેટલાક શ્વાસો ખેંચી શકાય, ભલે એ ગદાની જેમ પાંસળીઓ તોડી નાખે. એક નજરનો અહેસાન મનની મિરાત બની જાય એવું પ્રેમમાં જ બની શકે.
મોટા ભાગની ગઝલ, કવિતા ડૂમાનો અનુવાદ છે. જ્યારે શ્વાસ ન લઈ શકાય ત્યારે કવિતા કામ લાગે છે. કોઇ શસ્ત્ર વગર રણમેદાનમાં ઢળ્યા કરવું ને પડવા માટે ફરી ફરીને ઊભા થવું, આ તાકાત જેનામાં હોય એ જ પ્રેમ કરી શકે. પ્રેમ એક પ્રવાસ છે. જરાય પોરો ખાધા વગર, એકેય પરબની આશા વગર બસ ચાલ્યા જ કરવાનું છે. પગ અટકે ને શ્વાસ તૂટે ત્યાં લગી ચાલ્યા જ કરવાનું છે. આ પ્રવાસની મંઝિલ નથી.. બસ રસ્તો જ રસ્તો.. મોતના રણ સુધી લંબાતો…
વાહ 👌👌
વાહ ભાઈ વાહ, મસ્ત ગઝલ
મસ્ત આસ્વાદ..
આસ્વાદ વધુ ગમ્યો. 👌
સરસ રચના નો ઉત્તમ આસ્વાદ અભિનંદન
રચના સરળ ને સરસ..
વાહ, ખૂબ સરસ ગઝલ અને આસ્વાદ.