સુરેશચંદ્ર પંડિત ~ સમય ફેરવે

🥀🥀

*મુસાફિર*

સમય ફેરવે શૂન્ય પડખા મુસાફિર
ચલે શ્વાસના એમ ચરખા મુસાફિર.

નથી એકસરખી જમાવટ જીવનમાં
પ્રસંગો નથી એક સરખા મુસાફિર.

મચક હું ન આપું તુફાનોને કાયમ
ઉગારે છે મોહક અભરખા મુસાફિર.

હટી જા અહીં એક ચિતા બળે છે
તને ઊડશે ક્યાંક તણખા મુસાફિર.

ગમે તે સ્વરૂપે ગમે તે જગા પર
ફરીવાર મળવાના સમ ખા મુસાફિર.

છલોછલ ભર્યું છે હજી પાત્ર દિલનું
ભલે મારતો જીવ વલખા મુસાફિર.

ગમે છે મને ભીડ મારા નગરની
ગમે છે આ મૃગજળ આ મનખા મુસાફિર

~ સુરેશચંદ્ર પંડિત (6.6.1950 – 2023)   

ત્રણ ગઝલ સંગ્રહ. 1. ગુલબંકી (૧૯૮૨) 2. પ્રણયમંત્ર (૧૯૯૬) 3. કામિલ

સૌજન્ય : મહેન્દ્ર જોશી

9 thoughts on “સુરેશચંદ્ર પંડિત ~ સમય ફેરવે”

  1. કવિ સુરેશચંદ્ર પંડિતની બહુ જ સુંદર ગઝલ.પુનઃ ઘણા વરસ પછી આ ગઝલમાંથી પસાર થવાનું ગમ્યું.આજે પણ એ ગઝલના પ્રત્યેક શેર તરોતાજા અને અડીખમ છે.આ ગઝલનું પઠન કવિશ્રી સુરેશચંદ્ર પંડિત પાસેથી તરન્નુમમાં સાંભળવાનો વિશેષ લહાવો લેવાનું મને સદભાગ્ય મળ્યું હતું.” હટી જા અહીં એક ચિતા બળે છે,તને ઊડશે ક્યાંક તણખા મુસાફિર” એ શેર આજે પણ એમની મુદ્રા લઈને અડીખમ ઊભો છે.મને આખી ગઝલ વાંચતા પંડિતજી પ્રત્યક્ષ મળી ગયા.મિત્રને આ રીતે મળવાનો અચાનક અવસર આપવા માટે.”કાવ્યવિશ્વ” અને લતાબેન હિરાણીનો આભાર.

    1. આભાર તમારો ભાઈ, આટલો સરસ પ્રતિભાવ આપ્યો. તમારું નામ લખ્યું હોત તો !

  2. લલિત ત્રિવેદી

    જમાનો ભલે ભૂલાવવા મથે, પણ, આપ, લતાબેન, એમ નહિ જ થવા દો…આ અને આવી અનેક સરસ ગઝલો કવિએ રચી છે… આભાર

  3. લલિત ત્રિવેદી

    મુસાફિર રદીફ વાળી ગઝલ પણ કેવી સરસ છે! કવિ શ્રી મહેન્દ્ર જોષી કવિના અંતરંગ મિત્ર

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *