અશ્વિની ધોંગડે ~ ચોખા પાંચ કિલો

🥀 🥀

ચોખા પાંચ કિલો
ઘઉં દસ કિલો
સાકર દસ કિલો
ગોળ બે કિલો

દિવસે દિવસે ભાવ ભડકે બળે છે
યાદીમાં થોડી કાપકૂપ કરવી પડશે.

મગની દાળ ત્રણ કિલો
તુવેરદાળ બે કિલો

વીજળીનું બિલ ભરવાનું છે
એલ.આઇ.સી.નો ચેક લખવાનો છે.

સાબુના લાટા બે
જીરુ સો ગ્રામ
રાઇ એક કિલો

કેટલા વર્ષો સુધી કર્યા કરવાની
એની એ જ યાદી

કંટાળો એક કિલો
ત્રાસ બે કિલો….

~ અશ્વિની ધોંગડે

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ 151 > 26 ઑગસ્ટ 2014 * લતા હિરાણી

મુસીબતોની યાદી. પ્રશ્નોના ખડકલા. માત્ર એક પલ્લામાં જ ખડકાયે જતા ઉપાધિઓનાં પોટલાં અને સામે જરા સરખી રાહત આપે એવી ચપટીક ચીજ પણ નહીં. પલ્લું ભલે બેલેન્સ ન થાય, કદાચ એ શક્ય જ નથી પણ કંઇક તો હળવાશ મળે એક સ્ત્રીને ! એક મધ્યમ, કહો કે નિમ્ન મધ્યમ વર્ગની સ્ત્રીને દિવસમાં એકાદો શ્વાસ શાંતિનો મળી શકે એવું નાનકડું સો ગ્રામનુંય વજનિયું આ જીવનમાં, આ સમાજમાં ઉપલબ્ધ છે ખરું ? જવાબ મોટેભાગે ‘ના’ સિવાય બીજો શું હોઇ શકે ?

મને નથી લાગતું,

અશ્વિની ધોંગડેને આમાં કવિતા કરવાનું કોઇ પ્રયોજન હોય ! નજરે દેખાતી, સતત અનુભવાતી ને જરાય જંપવા ન દેતી નાયિકાની બેસુમાર તકલીફોમાંથી આ શબ્દો કાવ્ય સ્વરૂપે પ્રસવી ગયા છે. જેમ ગર્ભ રહ્યા પછી જન્મ થવો જેટલો સ્વાભાવિક અને અનિવાર્ય છે એવું જ આ કાવ્યનું પ્રગટવું ગણી શકાય.

ટૂંકા પગારમાં સંતાનો ઉછેરવાના અને જીવનનિર્વાહના બે છેડા ભેગા કરવા સતત મથ્યા કરતી સ્ત્રીને પોતાની મુસીબત રજૂ કરવા માટે કરિયાણાના લીસ્ટનું પ્રતીક સૂઝે. સમજી શકાય છે કે આ પ્રતીકયોજના કેટલી સ્વાભાવિક અને સચોટ છે ! આકરી મોંઘવારીને ખમ્યા કરતી સ્ત્રીનાં જીવનમાં બીજા કોઈ સુખો વિશે વિચારવાનો સમય નથી. નવાઇની વાત એય છે કે આ વેદના મોટેભાગે એકલી સ્ત્રીને જ ખમવી પડે છે. આ જ વર્ગનો પુરુષ દારુ પી શકે છે, જુગાર રમી શકે છે… આવું ક્યાંય શોધવા નથી જવું પડતું. આપણી આસપાસ જ અનેક દૃષ્ટાંત મળી આવે ! સતત પીસાતી ને ભીંસાતી રહેતી પત્નીને પતિ ઘરે આવીને નશામાં મારઝૂડ પણ કરી લે ત્યારે બાકી હોય એમ એય ખમવાનું ! અલબત્ત આ કવિતાની નાયિકાને કદાચ એવો ત્રાસ નથી પણ કરિયાણાની દુકાને પૈસા ચુકવવામાં અને ઘરે બાળકોને થાળી પીરસવામાં પડતો મોટો ગેપ નિવારવા એણે રોજેરોજ મથ્યા કરવું પડે છે અને પરિણામે જીવન બોજ જેવું બનતું જાય છે.. આ ત્રાસ અને કંટાળામાંથી રાહત એણે ક્યાં મેળવવાની ?

આ ચિંતાઓનાં પોટલાંનો ભાર મોટેભાગે એણે એકલીએ ખમવાનો હોય છે. આ વ્યાધિમાં પુરુષનો, પતિનો એને સાથ નથી મળતો.. ચાર ફેરા ફરતી વખતે સુખદુખમાં સાથે નિભાવવાનું વચન આપનાર પતિ પછીથી ક્યાંક ખસી જાય છે. પગાર આવે એમાંથી આપી શકે એટલી રકમ ઘરખર્ચ માટે આપી દઈને જાણે એની જવાબદારી પૂરી થઇ જાય છે. એમાંથી પૂરું થાય છે કે નહીં અથવા પૂરું ન થતું હોય તો કેમ વ્યવસ્થા કરવી એ ફરજ એકલી અને એકલી સ્ત્રીની બની જતી હોય છે. થાક કંઇક એનો જ હોય છે. મુસીબત તો દરેક ઉપર પડતી જ હોય છે. અલબત્ત પ્રકાર જુદા જુદા હોય પણ જો એમાં કોઇનો સાથ હોય તો એને ખમવામાં હિંમત ટકી રહે છે… આવું જાણનારા બધા જ, પણ સમજીને આચરનારા કેટલા ?

આ કવિતામાં પ્રગટે છે એવી સ્ત્રીઓ બેસુમાર છે તો સમાજમાં એવી સ્ત્રીઓ પણ છે કે જેમને કીટી પાર્ટીઓ, બ્યુટી પાર્લર, મોબાઇલ પર દોસ્તો સાથે ગપ્પાં મારવા અને વૉટ્સ પર આખો દિવસ જોક્સ, કાર્ટૂન, વિડિયો વગેરે ફોરવર્ડ કરવા સિવાય કશું કામ નથી !! આ પણ એક વિચિત્રતા છે,  સમાજની કરુણ વાસ્તવિકતા છે. ભલે એ આવા મોજશોખમાં રચી-પચી રહે પણ દિવસનો એકાદ કલાક અને આમ વેડફાતા પૈસામાંથી થોડાક ગરીબોના ઉપયોગ માટે ચૂપચાપ વાપરે તો ક્યાંક થોડુંક બેલેંસ થવા જાય !! અહીં ‘ચુપચાપ’ શબ્દ ખાસ સમજીને લખ્યો છે કેમ કે ઘણી ઝાકઝમાળ સંસ્થાઓમાં ઘણાં ‘સેવાકાર્યો’ થતા હોય છે. જેમાં થોડુંક કામ અને મોટાપાયે જોરશોરથી એની જાહેરાત થતી હોય છે. કદાચ જે કામ થયું હોય એના ખર્ચ કરતાં એની પબ્લીસીટીમાં વધુ ખર્ચ થતો હશે !  આય એક વિડંબના !

6 thoughts on “અશ્વિની ધોંગડે ~ ચોખા પાંચ કિલો”

  1. મધ્યમવર્ગીય પરિવારની આર્થિક સંકડામણની વાત સપેરે રજૂ કરતી રચના.

  2. અશ્વિની ધોંડગેની આ રચના આપણાં સામાજિક સ્ત્રી જીવનની વાસ્તવિકતા અસરકારક રીતે રજૂ કરે છે પરંતુ કિટી પાર્ટીઓએ અને બ્યુટીપાર્લરોએ કરિયાણું કચડી નાખ્યું છે એટલે જ કદાચ આજકાલ ફાસ્ટ ફુડ કવિતાનો વિષય બની ગયો છે જે એક કરૂણ પરિવર્તન છે

  3. દરરોજ થતી કૌટુંબિક પ્રશ્નોની ઉપાધી, કોણ બચી શક્યું છે? સરસ અભિવ્યક્તિ, સરસ આસ્વાદ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *