દતાત્રેય ભટ્ટ ~ ગઝલ

🥀🥀

*યાદ છે?*

છેલ્લે બટન ક્યારે તેં ટાંકેલું, તને કૈં યાદ છે?
સંબંધના કાપડને સાંધેલું, તને કૈં યાદ છે?

જ્યારે ક્ષિતિજ પર હાંફતો સૂરજ ઢળી નમતો હતો,
મારા ખભે માથું તેં ઢાળેલું,  તને કૈં યાદ છે?

જ્યારે પત્રો છાતીથી અળગા કરીને વાંચતી,
કાજળને ગાલો પર તેં આંજેલું, તને કૈં યાદ છે?

પીંછા તણી હળવાશથી જ્યારે મેં ખખડાવ્યું હતું,
સાંકળ વિના તેં દ્વાર વાસેલું, તને કૈં યાદ છે?

વ્હેલી સવારે ટ્રેન પર જ્યાં હું જરા મોડો પડ્યો,
ન ધરવાનું તેં ય ધારેલું, તને કૈં યાદ છે?

એ રાતના માદક નશાથી આજ પણ ચકચૂર છું,
તેં ચાંદનીમાં મુખ ઝબોળેલું, તને કૈં યાદ છે?

આ એકધારી જિંદગીમાં રોજ સૂરજ આપશે,
એવું વચન પણ તેં જ આપેલું, તને કૈં યાદ છે?

~ દત્તાત્રેય ભટ્ટ

પ્રેમી યુગલની લગ્ન પહેલાંની દુનિયા સાવ અલગ જ હોય છે. તેમાં માત્ર મઘમઘતા પ્રેમપત્રો, અકળાવનારી પ્રતીક્ષા, છાની મુલાકાતો, રીસામણાં, મનામણાં, મીઠડી પ્રણયગોષ્ઠી, વચનોની આપ-લે અને સોનેરી સપનાંઓ જ હોય છે. લગ્ન પછી એ પ્રેમીયુગ્મના ખભા પર અનેકવિધ જવાબદારીઓના બોજ વધતા જાય છે. काल: पिबति तद्रसम् મુજબ પ્રણયનો ઘેરો રંગ ધીમેધીમે આછો થતો જાય છે.

શ્રી દત્તાત્રેય ભટ્ટની આ મુસલસલ ગઝલ ભૂતકાળની એ મીઠડી યાદોને વાગોળવાની લિજ્જતની અનુભૂતિ કરાવે છે. સત્યનો સ્વીકાર હોય જ તોય આ મધમીઠા અનુભવોના ઝંખવાવાની ટીસ પણ શબ્દોની પાછળ વરતાય છે. ‘યાદ છે?’ રદ્દીફ સતત ભુલાયાનો ઓછાયો લઈને આવ્યા કરે છે.

~ કિશોર બારોટ

14 thoughts on “દતાત્રેય ભટ્ટ ~ ગઝલ”

  1. રેણુકા દવે

    વાહ…સરસ મજાની ગઝલ…સરસ મજાનો આસ્વાદ..
    અભિનંદન…આભાર

  2. દિનેશ ડોંગરે નાદાન

    ખૂબ સુંદર ગઝલ દત્તાત્રયભાઈ

  3. કિશોર બારોટ

    દત્તાત્રેયજી ભલે ઓછું લખે છે પણ ક્યારેય આછું નથી લખતાં.

  4. યાદ/ ફરિયાદ સાથે આવેલી ગઝલ મજાની છે.

  5. દત્તાત્રય ભટ્ટ

    કિશોરભાઈ તેમજ આપ સૌનો આભાર… 🌹🌺🌹🌺🌹🌺🌹

  6. DATTATRAYA BHATT

    ચોથા શેરના સાની મિસરામાં ‘હતું ‘ શબ્દ નથી. નીચે પ્રમાણે છે:

    સાંકળ વિના તેં દ્વાર વાસેલું, તને કૈં યાદ છે?

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *