નાથાલાલ દવે ~ સોનાવરણી સીમ

🥀🥀

સોનાવરણી સીમ બની,
મેહુલિયે કીધી મ્હેર રે,
ભાઈ ! મોસમ આવી મહેનતની.

નદીયુંનાં જલ નીતર્યાં
લોકોમાં લીલાલ્હેર રે…ભાઈ ! મોસમ.

લીલો કંચન બાજરો
ને ઊજળો દૂધ કપાસ રે….ભાઈ ! મોસમ.

જુવાર લોથે લૂમેઝૂમે
ને હૈયામાં ઉલ્લાસ રે…ભાઈ ! મોસમ.

ઉપર ઊજળા આભમાં
કુંજડિયુંના કિલ્લોલ રે…ભાઈ ! મોસમ.

વાતા મીઠા વાયરા
ને લેતા મોલ હિલોળ રે….ભાઈ ! મોસમ.

હો ! લિયો પછેડી દાતરડાં
આજ સીમ કરે સાદ રે…ભાઈ ! મોસમ.

રંગે સંગે કામ કરીએ
થાય મલક આબાદ રે…ભાઈ ! મોસમ.

લીંપીગૂંપી ખળાં કરો
લાવો ઢગલેઢગલા ધાન રે…ભાઈ ! મોસમ.

રળનારા તે માનવી
ને દેનારો ભગવાન રે…ભાઈ ! મોસમ.

~ નાથાલાલ દવે (3.6.1912 – 25.12.1993)

🥀🥀

એવા આવે છે ધરતીના સાદ રે…. હાલો ભેરુ ! ગામડે.
ભીની માટીની ગંધ આવે યાદ રે… હાલો ભેરુ ! ગામડે.

બોલાવે આજ એનાં ખુલ્લાં આકાશ,
મીઠા પરોઢના અલબેલા ઉજાસ,
ઘેરા ઘમ્મર વલોણાના નાદ રે… હાલો ભેરુ !

ચારીશું ગાવલડી ડુંગરના ઢાળે,
બાંધીશું હીંચકો વડલાની ડાળે,
મોર ગહેકે જ્યાં સરવરની પાળ રે… હાલો ભેરુ !

ગાઓ રે બંધવા ! ગામડાંનાં ગીત,
યાદ કરો ભોળુડાં માનવીની પ્રીત,
જાણે જિંદગીનાં મીઠાં નવનીત રે… હાલો ભેરુ !

ખૂંદવાને સીમ ભાઈ ! ખેડવાને ખેતરો,
ભારતના ભાવિનાં કરવા વાવેતરો,
હે જી કરવા માભોમને આબાદ રે… હાલો ભેરુ !

~ નાથાલાલ દવે (3.6.1912 25.12.1993)

 ‘કાલિંદી’ પ્રથમ કાવ્યસંગ્રહ

4 thoughts on “નાથાલાલ દવે ~ સોનાવરણી સીમ”

  1. પ્રકૃતિ અને ગામડાંનો મુખ્ય નાયક ખૈડુના જીવનને ચિત્રિત કરવામાં કવિ સફળ રહ્યા છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *