ભગવતીકુમાર શર્મા ~ અર્ધ્વમાં છું

🥀🥀

અર્ધ્વમાં છું ને ઊર્ધ્વે પહોંચવું છે,
તળેટીથી યે શિખરે પહોંચવું છે…

કોઈ રીતે સમીપે પહોંચવું છે,
‘હું’ ’તું’ ‘તે’ ના અભેદે પહોંચવું છે…

હતો, છું, ને હઈશ કેવળ નદીમાં,
કહ્યું કોણે કે કાંઠે પહોંચવું છે?

બધે રસ્તેથી હું પાછો વળ્યો છું,
ફક્ત એનાં જ દ્વારે પહોંચવું છે…

છે રણમાં સૂર્યની શિરમોર સત્તા,
આ નદી મૃગજળની, તીરે પહોંચવું છે…

કોઈ તારાને ખરતો રોકવાને,
મળે જો પાંખ, આભે પહોંચવું છે…

ઢળી છે સાંજ, ઈંધણ ભીનાં ભીનાં,
ઉતાવળ છે, ચિતાએ પહોંચવું છે…

~ ભગવતીકુમાર શર્મા (31.5.1934 – 5.9.2018)

5 thoughts on “ભગવતીકુમાર શર્મા ~ અર્ધ્વમાં છું”

  1. ઉર્ધ્વ તરફની ગતિ માટેની કવિની ઝંખના આ રચનામાં ઝિલાઈ છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *