ભગીરથ બ્રહ્મભટ્ટ ~ સમી સાંજના

🥀🥀
*ઝાંખી આંખો*

સમી સાંજના ઝાંખી આંખો વખત વલોવી જળમાં માખણ ખોળે
વળી વળીને વાતવાતમાં ઘેલું ઘડપણ ગત અવસર વાગોળે

માળો મેલી ઊડી ગયેલા, ટૌકા સાટે જીવ ચઢ્યો છે ગોટે
કાનગલીમાં વણસગપણના શબ્દો પેસી અવળસવળ આળોટે
રામ થયેલાં અજવાળાંને બિસ્કીટ સમજી ચાની સાથે બોળે….

જમણી આંખે ઘર ટપકે છે, ઘરની સાથે ડાબી આંખે ગામ
શ્વાસનળીમાં સમય ફસાયો પછી કહોને ક્યાંથી સમરે રામ !
ખરી પડેલાં પાનાં પાછાં ચોંટાડી દૈ એકલતા સંકોરે….

પગ પોલાદી બાથ સમયને ભરતા ત્યારે ડગમાં હતો તરાપો
હવે તણખલાં ભારે લાગે કોને કે’વું કોણ સુણે બળાપો !
ખોં ખોં કરતા ડગમગ થાતા જીવતા જીવને અગન ઝાળમાં બોળે
ઉર અંજલિ ઢોળે.

~ ભગીરથ બ્રહ્મભટ્ટ

યુવાની મદમસ્ત બનીને હવાના ઝોંકાની જેમ ચાલી જાય છે. એ સમય ક્યારે પૂરો થઈ જાય છે એની ખબર પણ નથી પડતી. ખબર પડે છે, વૃદ્ધત્વની ! જ્યારે સમય અડિંગો લગાવીને બેસી જાય છે. વૃક્ષો ઉખાડી નાખવાની ધખના રાખતી યુવાનીને બદલે એક તણખલાનો ભાર લાગે છે. હોંકારા પડકારા કરતો સમય હવે ખોં ખોં કરવા સિવાય કશું કરી શકતો નથી અને જીવને અગનજાળ લાગે છે….   

જીવને માયા એવી લાગી છે કે કવિ કહે છે ‘શ્વાસનળીમાં સમય ફસાયો…’ સ્પર્શી જતું અને નાવીન્યપૂર્ણ કલ્પન….

10 thoughts on “ભગીરથ બ્રહ્મભટ્ટ ~ સમી સાંજના”

  1. ઉમેશ જોષી

    વર્ણાક્ષરોનો સરસ રીતે પ્રયોજ્યા છે.. સુંદર ગીત રચના..
    અભિનંદન…

  2. હરીશ દાસાણી.મુંબઈ

    લય,ભાવ,શબ્દ પસંદગી તથા સંવેદનાઓ બધી જ દ્રષ્ટિએ સર્વોત્તમ ગીત.

  3. રેણુકા દવે

    વાહ વાહ અને વાહ…!
    લયમાં વહી જતું સાદ્યંત સુંદર ગીત.
    ઘડપણની સચ્ચાઈ અને પીડાને વાગોળતું સરસ મજાનું ગીત.
    કવિને અભિનંદન…રજૂકર્તા નો આભાર

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *