હે વરમંડો વણનારા ~ નિરંજન ભગત

🥀🥀   

હે વરમંડો વણનારા
તારું વિશ્વવણાટ, તારને કોણ અમે ગણનારા ?

તેજતિમિરને ગૂંથી વણ્યો તેં આભ તણો ચંદરવો
જડચેતનની કોરી કરી, મહીં પૃથ્વીને પટ ધરવો !

વિરાટના હે વણકર, એ એમ અહંકાર ના ગણીયે
તેં સોંપ્યું તે સાચવવા જો અમેય થોડું વણીયે

પાપપૂણ્યના વાણાતાણા લઈ વણ્યા તેં વાઘા
આતમ અંદર, ઉપર આયખું, એથી અળગા આઘા.

વળી ઉપરનું પોત ઠર્યું છે નવનવ ઠામે કાચું
એ સૌના સાંધણમાં વણવું સૂત્ર અમારે સાચું.

કરમધરમની કથા અમારે વાણેતાણે વણવી
ને સોંપ્યું તે સમેટવામાં ઘડી ન તારે ગણવી.

સૂરતને વણતાંવણતાં અભેદને ભણનારા
હે વરમંડો વનનારા !

~ નિરંજન ભગત (18.5.1926 – 1.2.2018)

વરમંડો – બ્રહ્માણ્ડ

કવિની જન્મશતાબ્દી ઉજવાઈ રહી છે એ નિમિત્તે આપણે કવિની રચનાઓ માણતા રહીશું.

4 thoughts on “હે વરમંડો વણનારા ~ નિરંજન ભગત”

  1. Kirtichandra Shah

    નિરંજન ભગત અગમનિગમ વાતો હક્ક પૂર્વક કરી શકે . એના શબ્દો ઠાલાઠાલા નથી

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *