☘️☘️
*આજીજી*
અરજ વિનવણી આજીજી
શું કરીએ, કઈ રીતે રહેશો રાજી જી?
તમે કહો તે ઓઢુ, પહેરું, તમે કહો તે સાચું,
મધ-કાજળને લઢી, સુરમો આંખે આંજી નાચું.
તમ કાજે લ્યો વસંત વેડું તાજી જી,
શું કરીએ, કઈ રીતે રહેશો રાજી ?
ઝાકળનાં પાથરણે પાડું સુગંધની ખાજલિયું,
વ્હાલપથી નીતરતી રસબસ બંધાવું છાજલિયું.
હરખે હરખે હારું રે ભવબાજી જી,
શું કરીએ, કઈ રીતે રહેશો રાજી?
~ સંજુ વાળા (રાગાધીનમ)
કવિ સંજુ વાળાના ગીતો અને એમની ભાષા અભિવ્યક્તિ ખોલવાની ગુજરાતી સાહિત્યના એક ભાવક તરીકે મારી માટે કાયમ મીઠી અને રોચક કસરત રહી છે. કવિ પાસેથી ચિંતનાત્મક તો અનેક ગીતો મળ્યાં છે. પરંતુ જે પણ પ્રણયગીતો મળ્યાં છે એ સોનામાં સુગંધ ભળે એવા છે . કવિ પોતે નિજાર સંપ્રદાય અને રવિભાણ સંપ્રદાયના અભ્યાસુ અને એમાં શ્રદ્ધાવાન રહ્યા છે તેથી તેમના પ્રણયગીતોમાં સમર્પણની પરાકાષ્ઠા એ રીતે રહી છે જાણે પ્રણય એક ડગલું આગળ વધી અને ભક્તિ બની જાય છે. કવિતાનાં કેટલાક સ્તરો એવાં હોય છે જે ખોલતાં એમાંથી જે આનંદ પ્રાપ્ત થાય એ શબ્દમાં બયાન ન થઈ શકે. ત્યાં સુધી પહોંચવામાં કેટલાક સંદર્ભો, પૂર્વ વાંચન અને ખુદ કવિની આંગળી પણ ક્યારેક ઝાલવી પડે છે.
પ્રસ્તુત ગીત સંજુ વાળા રાગાધીનમ કાવ્યસંગ્રહ (ગીત સંગ્રહ)માંથી મને હાથ લાગ્યું અને પહેલી નજરે ગમી ગયું. (હું પાછો ભાગ્યશાળી કે બે વાર આ સંગ્રહ ભણ્યો!) ઘણીવાર પહેલી નજરે ગમી જવા માટે કોઈ કારણો હોતા નથી. પરંતુ આ ગીત ગમી જવા માટેના કારણો ચોક્કસ છે. ગીતનો ઉઘાડ જ જોઈ લો. અરજ, વિનવણી આજીજી…! આ ત્રણેય શબ્દો કોઈપણ સંયોજન વગર સાથે મૂકીને સમર્પણ સુધીનો માર્ગ બતાવે છે. મોટેભાગે તો આપણને તો એમ જ છે કે, અરજ, વિનવણી ને આજીજી આ ત્રણેય પર્યાયવાચી શબ્દો છે. પરંતુ ખરેખર જુઓ તો અરજ વધુ ઔપચારિક છે. વિનવણી અનૌપચારિક છે. જ્યારે આજીજી તો નિર્દોષ અને નિર્ગુણ વિનંતી છે. એક બાળક સમાન નિષ્કામ અને નિષ્કપટ પ્રેમ હોય ત્યારે આજીજી થઈ શકે છે. પછી કવિ કહે છે કે, શું કરીએ ? અમે તો આટલું જ કરી શકીએ. આ અરજ કરી શકીએ, વિનવણી કરી શકીએ કાં આજીજી કરી શકીએ. બીજું તો શું થઈ શકે પણ તમે કહો તમે કઈ રીતે રાજી રહેશો. શું મારો પ્રેમ ઔપચારિક, અનૌપચારિકની વચ્ચે ઝોલા ખાશે કે એનાથી એક ડગલું આગળ વધી અને નિષ્કપટ નિષ્કામ પ્રેમને તમે ઓળખી જશો ? અહીં સાધ્યની supremacy સિધ્ધ થાય છે. સાધક અને સાધના કરનાર બન્ને સાધ્યને સમર્પિત છે.
પ્રથમ અંતરામાં જ જુઓ ફરી કવિ એવી જ કમાલ કરે છે. ઓઢું અને પહેરું આમ તો બંને શબ્દો મોટે ભાગે પર્યાયવાચી તરીકે વપરાતા હોય છે પરંતુ થોડા ઊંડા ઉતારીએ તો ‘ઓઢવું’ શબ્દ કોઈકની છત્રછાયા બતાવે છે. તરત આપણને મીરાંબાઈ યાદ આવે અને પહેરવું શબ્દ શણગાર સાથે વધુ નિકટતા ધરાવે છે. ‘તમે કહો તે ઓઢું’ અહીં ઓઢું એ સમર્પણનો ભાવ ચોક્કસ બતાવે છે અને ‘તમે કહો એ પહેરું’ એ તમારી આંખને રાજી રાખવાની વાત છે. જ્યારે પ્રેમ આસક્તિ બને અને આસક્તિ તન્મયતા બને ત્યારે આ પરિસ્થિતિ હોય છે. ઇન્દ્રિયગમ્ય પ્રેમ આત્માના ઐકયસુધી પાંગરી જાય એને જ ભક્તિ કહેવાય ! ‘મધ કાજળને લઢી સુરમો આંખે આજી નાચું.’ મધ અને કાજલને લઢવાની વાત નવ્ય કલ્પન તરીકે ઉપસી આવે છે. મીઠાશ તો જીભથી માણવાની હોય, એ એક સ્વાદ છે. પરંતુ આંખને મીઠું લાગે એવું હું કોઈ પણ કર્મ કરવા માગું છું જેથી તમે રાજી રહેશો બસ આજ તો છે પ્રેમની પરાકાષ્ઠા. જેમાં પળેપળ પ્રિયા પ્રિતમ એકબીજાના સુખની કામના કરે અને આ માધુર્ય ભક્તિ પણ છે.
બીજો અંતરો પણ એ જ દિશામાં આગળ વધે છે. ઝાકળમાં સુગંધની ખાજલી અને વહાલપથી રસબસ નીતરતી છાજલી બંને અકબંધ રહેલા પ્રેમના કલ્પન તરીકે આલેખાયા છે. ગામડામાં ગાર લીંપીને જે ઓકળિયું (ખરેખર દીવાલ લીંપણ માટે આ શબ્દ વપરાય છે) પાડવામાં આવે છે. ઝાકળ કુદરત તરફથી પ્રાપ્ત થયેલ સહજ ઠંડક છે. અર્થાત આપને જોઈને હૃદયમાં પ્રેમ સહજ સ્ફૂર્યો છે. એમાં મારી ઇન્દ્રિયોને શુધ્ધ કરી એની સુગંધ ( ફૂલને તપાવી, ઓગાળી સુગંધી બને છે એ રીતે) એમાં ઉમેરી દઉં. મારા હૃદયમાં પધારો. તમારા માટે છાજલીઓ ભરી ભરીને પ્રેમ રાખ્યો છે. તમે એકવાર આવો અને આપણે ચોપાટ માંડીએ. તમે જીતો એટલે હું ભવબાજી પણ હારવા તૈયાર છું. નાયિકાના વિશુદ્ધ અને નિષ્કામ પ્રેમની ઝાંખી આપણને થાય છે. નાયિકા ક્યાંય પણ નાયક પાસેથી કશું મેળવવાની ઝંખના કરતી નથી. બધું આપવાની જ વાત આખા ગીતમાં ઝીલાઈ છે.
કવિ સંજુ વાળાના પ્રણય ગીતો આમ તો એક વિસ્તૃત અભ્યાસનો વિષય છે. ગોળની ભેલી જેવા સંગ્રહ ‘રાગાધીનમ ‘ અને એમાંથી નાની ગાંગડી સ્વરૂપે આ ગળચટ્ટુ ગીત! જેમ મમળાવો એટલું ગળ્યું!
~ ગોપાલ ધકાણ

ધન્યવાદ
ગૈપાલ, લતાબેન
કાવ્યવિશ્વ સરસ કવિતા કે કવિતા વિશે
… ને તરત પારખે અને પડખે હોય છે
રાજીપો
સુકામનાઓ
🌹
આનંદ આનંદ સંજુભાઈ.
ખુબ સરસ 👌👌
વાહ, ખૂબ જ સરસ ગીત, આસ્વાદ ઘણું ન સમજાય એવું ઉઘાડી આપે છે.
જેટલું સુંદર ગીત એટલોજ સુંદર આસ્વાદ.
બંને સર્જકોને અભિનંદન. 🌹
કોની પ્રશંસા કરીએ?ગીત મુગ્ધ કરી દે એવું છે તો આસ્વાદલેખ પણ ભાવકની સજ્જતાની પ્રતીતિ.