ગુલામ અબ્બાસ નાશાદ ~ એકધારું તાકતાં

🥀🥀

એકધારું તાકતાં થાકી નજર;
આભને જોયા કર્યું કારણ વગર,

માર્ગમાં અટવાઈ જાવાનું થયું;
લક્ષ્ય વિસરી ગઈ છે શ્વાસોની સફર.

આ ઉદાસી એટલે એનું પ્રમાણ;
કોશિશો નિષ્ફળ, દુઆઓ બેઅસર.

ભરવસંતે પાનખર જેવી ઋતુ;
એક પણ ટહુકો ન ગુંજ્યો ડાળ પર.

ભાવિને શણગારવાની હોડમાં;
હું જમાનાથીય છું તો બેખબર.

આ ભલા કેવું સુરાલય છે કે જ્યાં;
આંખમાં આંસુ ને કોરા છે અધર.

મુંઝવણ ‘નાશાદ’ હંમેશાં રહી;
આપણું કહેવાય એવું ક્યાં છે ઘર !

~ ગુલામ અબ્બાસ ‘નાશાદ’

ઉદાસી અને કવિની જુગલબંદી કહી શકાય. કવિની કવિતામાં એ ન ફરકે તો જ નવાઈ ! વળી કવિમાં ‘પરકાયાપ્રવેશ’ની કમાલ હોય છે એટલે એ બીજાના દુખ પણ આત્મસાત કરીને અસરકારક અભિવ્યક્તિ આપી શકે.

આભ એક વિશાળ શૂન્યાવકાશ ગણી શકાય. જ્યારે હૃદય શૂન્ય હોય ત્યારે શૂન્યનો સરવાળો શૂન્ય સાથે થાય અને પછી નજર જ નહીં જીવનની સફરનું લક્ષ્ય પણ શૂન્ય ભાસે અને થકવી દે. પછી કોશિશો નિષ્ફળ, દુઆઓ બેઅસર, પાનખરમાં પ્રવર્તતી ટહૂકા વગરની ડાળો અને કોરાં આંસુ…. શૂન્ય હૃદય જે પોતાનું ઘર શોધ્યા કરે…      

આમ જુઓ તો આ મુસલસલ ગઝલ નથી અને તોય છે…. જુઓ, એક પછી એક કડી ભાવની રીતે જોડાતી જાય છે.

6 thoughts on “ગુલામ અબ્બાસ નાશાદ ~ એકધારું તાકતાં”

  1. દેવેન્દ્ર બી રાવલ

    સલામ નાશાદ સાહેબને 🙏🙏🙏🙏

  2. દિનેશ ડોંગરે નાદાન

    મારા અંગત મિત્ર નાશાદ ને જન્મ દિવસની અઢળક શુભેચ્છાઓ. ઉમદા અને પ્રેમાળ વ્યક્તિત્વનો સ્વામી આ કવિનો સ્થાયી ભાવ ઉદાસી હોવાં છતાં એની ‌ગઝલમાં જીવનની ફિલસૂફી પણ ઠેર ઠેર જોવા મળે છે.

  3. આદરણીય નાશાદ સાહેબ આમતો વડોદરાના ઘણા કવિઓના ગુરુ ગણાય, મારા પણ. એમને જન્મ દિવસ ની હાર્દિક શુભેચ્છાઓ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *