ધ્રુવ ભટ્ટ ~ મારામાં આરપાર * ધ્રુવગીત

🥀🥀

મારામાં આરપાર સાત સાત દરિયા ને દરિયામાં આરપાર તું
પળમાં પળ ગૂંથીને તું વારતા વણે ને એને જીવતરનું નામ દઉં હું

કાળમીંઢ પથ્થરનું ભૂરું પોલાણ મારી લાગણીથી હાથવેંત છેટું
વેદના તો હસતાંયે વેઠી લેવાય; આવા સુખને વેઠું તો કેમ વેઠું
આંખોનાં પોપચાંમાં સાચવી મૂક્યાં છે એને સપનાં કહું કે કહું શું
મારામાં આરપાર સાત સાત દરિયા ને દરિયામાં આરપાર તું

મુઠ્ઠી ભરીને વ્હાલ વ્હેંચતા રહો કે ભલે આપણી હથેળી હોય ખાલી
દરિયાને પૂછવાનું ટાળજો કે, ભાઈ,તને ભરતી ગમે કે ઓટ વ્હાલી
પંખી તો કોઈનેય કહેતું નથી કે, એણે પીંછામાં સાચવ્યું છે શું
મારામાં આરપાર સાત સાત દરિયા ને દરિયામાં આરપાર તું.

~ ધ્રુવ ભટ્ટ

સૌજન્ય:નીલા ટેલી ફિલ્મ્સ અને ધ્રુવગીત

5 Responses

  1. ખુબ સરસ રચના પ્રણામ

  2. ઉમેશ જોષી says:

    જન્મ દિવસની શુભેચ્છા પાઠવું છું.

  3. વાહ, સરસ ગીત, સરસ સ્વરાંકન અને ગાયન.

  4. દિનેશ ડોંગરે નાદાન says:

    ધ્રુવ ભટ્ટ મારા ખૂબ ગમતાં કવિ‌ છે. એમનાં ગીત અનોખા હોય છે, આ‌ ગીત પણ‌ એનું ઉદાહરણ છે.

  5. Minal Oza says:

    ધ્રુવ ભાઈનાં ગીતો ગેય તો હોય જ સાથે સાથે એક સંદેશ પણ હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: