દેવજી મોઢા ~ આમ અચાનક & ચૈતર આવ્યો * સ્વર આરતી સૌમિલ મુનશી

🥀🥀   

ચૈતર આવ્યો તો ચાલ મહોરીએ
આંબાની ડાળ ડાળ બેઠો છે કોળ
તો એ કોળ જેવુ જીવતરમાં ફોરીએ !

આંબો ઝીલે છે શિર તડકો સૂરજનો ને ધરતી પર પાથરતો છાંય
એનાં કુમાશભર્યા લીલુડાં પાંદ મહીં ઝળકે રતુંબડી ઝાંય!
જાણે કે ગાલ પરે છોડી ગુલાબી કોઈ ગોકુળિયા ગામની ગોરીએ !

આંબાની ડાળ વિશે ઝૂલે પવંન પેલી મંજરીઓ મ્હેક મ્હેક થાય
કોયલ આવી, રેલી પંચમના સૂર એના ગીતો મધુરવાં ગાય!
સારીયે સીમ તણી વનરાની જેમ, ચલો ! આપણેય ખેલીએ હોરીએ !

ચૈતરના આભ તળે બેસી કૌમારમાં આપણે જમાવતાં વાતો
એમાંથી પાંગરી પ્રફૂલ્લ્યો આ આપણો  આજનો હેતાળવો નાતો !
કાળની સંદૂક મહીં સચવાયા સ્મરણોને ચાલો ને આજ જરી ચોરીએ !

~ દેવજી મોઢા (8.5.1913 – 21.11. 1987)

🥀🥀

*આમ અચાનક*

આમ અચાનક જાવું નો’તું,
જાવું’તું તો તરુવર ફરતું વેલી શું વીંટળાવું નો’તું!

તેં મનભર મુજને એવું ચાહ્યું
કે ઊખડી તું એનું દુખ થયું જે કોઈને ના જાય કહ્યું,
(આજ સખી એણે આંખલડીના કાજલની કરી ચોરી)

તેં મનભર મુજને એવું ચાહ્યું
કે ઊખડી તું એનું દુખ થયું જે કોઈને ના જાય કહ્યું,
જાવું’તું તો ચંદરને થઈ એક ચકોરી તારે ચાહવું નો’તું!

તેં પ્રણયામૃત એક પાત્ર ધર્યું,
મુજ કાજે શું શું તેં ના કર્યું, પણ આજ ભાગ્યનું ચક્ર ફર્યું,
(ઝીણા ઝીણા રે આંકેથી અમને ચાળીયા)

તેં પ્રણયામૃત એક પાત્ર ધર્યું,
મુજ કાજે શું શું તેં ના કર્યું, પણ આજ ભાગ્યનું ચક્ર ફર્યું,
જાવું’તું તો ખોબે ખોબે હ્રદયસભર અમી આપવું નો’તું!

તુજ ઓષ્ઠોથી એક ગીત સર્યું,
(દાડમડીના ફૂલ રાતા ઝૂલણ લ્યો વણઝારી)

તુજ ઓષ્ઠોથી એક ગીત સર્યું,
મટકીથી શીતળ જળ ઝર્યું, કિન્નરી કંઠથી કવન કર્યું.
(
લ્યો લ્યો રે દાદા ચુંદડી)

તુજ ઓષ્ઠોથી એક ગીત સર્યું,
મટકીથી શીતળ જળ ઝર્યું, કિન્નરી કંઠથી કવન કર્યું.
જનમ જનમ યાદ રહી જાય એ ગાણું તારે ગાવું નો’તું!

(કૌંસમાં જે પંક્તિઓ છે એ સંગીતબદ્ધ કરતી વખતે ઉમેરેલી છે)

સૌજન્ય : ટહૂકો.કોમ

Note: અહીં પતિપત્નીના એકબીજાથી દૂર જવાના સંદર્ભમાં ઉપરનું લખાણ લખાયું છે, પરંતુ હકીકતમાં કવિ દેવજીભાઈ મોઢાએ પોતાની સહધર્મચારિણીના મૃત્યુ સમયે આ રચના કરી હતી. એના સ્વરનિયોજન માટે ક્ષેમુભાઈ દિવેટીયાને આ ગીત આપવામાં આવ્યું હતું, પણ એ વખતની એમની અત્યન્ત સંવેદનશીલ સ્થિતિને લીધે એ સ્વર આપી શક્યા નહીં. એટલે આખરે દક્ષેશભાઈ ધૃવે એનું સ્વરાંકન કર્યું અને ક્ષેમુભાઈનાં પત્ની સુધાબેનની યાદ રૂપે એમનાં ગાયેલાં/મનપસંદ ગીતોની એક-બે પંક્તિઓ દેવજીભાઈ મોઢાના ગીતની વચ્ચે વચ્ચે મૂકી દીધી!…અને શ્રુતિવૃંદ તરફથી સૌમિલ-આરતી મુન્શીએ એ ગીત ગાયેલું!!

કાવ્ય ~ દેવજી રા. મોઢા * સ્વર : આરતી – સૌમિલ મુન્શી * સંગીત : દક્ષેશ ધ્રુવ

4 Responses

  1. લલિત ત્રિવેદી says:

    દૈવત પામેલા કવિ… બહુ જ ઓછા ધ્યાન દેવાયેલા કવિ.. ઉત્તમ ભજનો આપ્યાં

  2. ખુબ સરસ રચનાઓ

  3. ઉમેશ જોષી says:

    વાહ…. આદર સહ અભિનંદન.

  4. ખૂબ સરસ અભિવ્યક્તિ ગીત. સહધર્મચારિણીનું મૃત્યુ ઘણા કવિઓને કાવ્ય રચવા પ્રેરે છે. સરસ સંકલન.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: