હર્ષદ પંડ્યા ‘શબ્દપ્રીત’ ~ મને મારા જ પાળેલા

🥀🥀
મને મારા જ પાળેલા અહમ રંઝાડવા આવ્યા
સમયની ચાલ પામેલા ભરમ રંઝાડવા આવ્યા
જગતના કાયદાકાનૂન ભલે તું હાથમાં રાખે
તને તારાં જ પાકેલાં કરમ રંઝાડવા આવ્યા
ઘણાં ગ્રંથો બતાવી ધર્મને તેં ખૂબ થકવાડયો
હવે બસ એ જ થાકેલા ધરમ રંઝાડવા આવ્યા
કહો, શેની છે મજબૂરી, સબૂરી કેટલી ધરશો ?
પળેપળમાં વાવાયેલા સિતમ રંઝાડવા આવ્યા
ક્ષણોની લઈ કુહાડી જિંદગીને કોણ કાપે છે ?
તને તારા વિતાડેલા જનમ રંઝાડવા આવ્યા…. .
~ હર્ષદ પંડ્યા ‘શબ્દપ્રીત’
લાગા ચુનરીમેં દાગ ~ લતા હિરાણી
‘રંઝાડવા આવ્યા’ રદ્દીફ લઈને રચાયેલી આ ગઝલ એક સનાતન સત્યને લઈને ચાલે છે. રંઝાડવું એટલે દુખી કરવું. ‘રંઝાડવું’ પ્રક્રિયા સાર્વત્રિક છે, રોજબરોજની છે, ચાલ્યા જ કરે છે. બીજા તો ઠીક, માનવી પોતે જ પોતાને રંઝાડે. આ માનવ સ્વભાવ છે. દુખી થવાનું એના માટે સહજ છે. જ્યારે સુખી થવાની કળા એણે સાધ્ય કરવી પડે છે, શીખવી પડે છે.
આમ તો ઈશ્વરે માનવીને ખુશ રહેવાનું શીખવાડીને જ મોકલ્યો છે. બાળક ગમે તેવી કઠિન પરિસ્થિતિમાં હોય તો પણ દુખી ન હોય. કેમ કે દુખ શું, એ બાળક જાણતું નથી. એ જાગે ત્યાંથી ઊંઘે ત્યાં સુધી રમ્યા કરે. એને રમવા માટે પણ ખાસ કશું ન જોઈએ. પોતાના હાથ પગ કે આંગળાથી પણ એ રમી શકે. જેવું બાળપણ જાય કે માનવી આ કળા ભૂલીને દુખી થતાં શીખી જાય છે. આ વાતના બે અંતિમો છે. એકબાજુ માનવી પોતે જાતે જ પોતાને દુખી કરી શકે તો બીજી બાજુ કોઈ રંઝાડવાના લાખ પ્રયત્ન કરે તોય કોઈ સમતા રાખી શકે, આ સિદ્ધિ છે, આ સિદ્ધ છે.
કવિએ ‘મારા’ શબ્દથી કવિતાની શરૂઆત કરી છે અને પછી જાતને ‘તું’ બનાવી દીધી છે. સ્વને નિરખવાનો, પારખવાનો, ઢંઢોળવાનો આ ઉતમ રસ્તો છે. જાતમાંથી નીકળી જઈને જાતને જોવા માટે બહુ નિર્લેપ થવું પડે. અઘરું કામ છે આ. જીંદગીભર માનવી જાતને છાવરવાનો જ પ્રયાસ કરતો હોય છે. પોતાના વાંક એને વસતા નથી. જાત માટે સેવેલી ભ્રમણા એને ડગલે ને પગલે નડે છે તોય આંખ ખૂલતી નથી. અભિમાન, પૈસાની છત અને સમજણની અછત. પછી એ તમામ નિયમોની અવગણના કરી શકે છે, એ નિયમો રાજ્યે બનાવેલા હોય કે ધર્મે! અનેક દાખલા તમારી નજર સામેય તરવરશે.
“જગતના કાયદાકાનૂન ભલે તું હાથમાં રાખે” કર્મનો સિદ્ધાંત સૌએ સ્વીકારવો જ પડે છે, ખુશીથી કે ખૌફથી. સમજણથી અંદર ઉતારાય તો રંઝાડનો ભય ન રહે. પાપનો ભાર વધતાં પૃથ્વી પર પ્રલયની ચેતવણી દરેક ધર્મે ઉચ્ચારી છે. પૃથ્વી પર પ્રલય આવે કે ન આવે, માનવી પોતાની જિંદગીમાં પ્રલય અનુભવતો હોય છે. કેમ કે અન્યાયી ધરમના ઓઠે જ સઘળા અનાચાર આચરે છે, પછી એ રંઝાડમાંથી મુક્ત કેવી રીતે થાય?
“તને તારા વિતાડેલા જનમ રંઝાડવા આવ્યા.” એક થીયરી સ્વીકારી શકાય એવી છે કે નવજાત બાળકે કોઈ જ કર્મ હજુ નથી કર્યું, એના પેદા થવાનું કર્મ પણ એનું નથી, એના મા-બાપનું છે તોય એક બાળક બંગલામાં જન્મી સુખમાં, લાડમાં આળોટે છે અને બીજું એક બાળક ફૂટપાથ પર પેદા થાય છે અને જન્મતાં જ એને ઉકરડે ફેંકી દેવાય છે તો એમાં બાળકનો વાંક શું? આગલા જન્મના કર્મની થીયરી અહીં લાગુ થતી દેખાય છે…
કર્મનો સિદ્ધાંત અને પોતે જ પોતાને રંઝાડયા કરવાની વાત કેટલી સરસ રીતે કવિ ઉશનસે અહીં કરી છે!
ગયા જન્મેય ‘માણસ’ નામની જાતે હું જન્મ્યો હોઇશ
નહીં તો આવડા તે હોય, આ જે થાક લાગ્યા છે ? ~ ઉશનસ
વાહ વાહ.. જીવનસત્યને ઉજાગર કરતી સુંદર ગઝલ 👌👌👌👌👌👌👌
વાહ ખુબ સરસ રચના આસ્વાદ ખુબજ સરસ અભિનંદન
રંઝાડવા શબ્દ રદીફની સરસ ગઝલ…
વાહ, ખૂબ જ સરસ ગઝલ અને ખૂબ સરસ આપે આસ્વાદ કરાવ્યો.
સરસ 👌👌