ભગવતીકુમાર શર્મા ~ આશ્ચર્ય છે કે

🥀🥀

આશ્ચર્ય છે કે તારા વગર જિંદગી ગઈ
દરિયો મળી શક્યો ન તો રણમાં નદી ગઈ.

ભીની હતી જો આંખ તો જીવંત રહી ગઇ
રેતીમાં પડતાંવેંત મરી માછલી ગઈ.

શ્વાસો ખૂટી ગયા અને મીંચાયા બે નયન
પહેલાં પવન પડયો પછી રોશની ગઈ.

તો યે ટકી રહ્યો છું હું એકાકી વૃક્ષ શો
રસ્તો ગયો, એ ઘર ગયું, તારી ગલી ગઈ.

બાળકની જેમ ભીડમાં ભૂલી પડી જશે
છોડાવી મારી આંગળી ક્યાં લાગણી ગઈ?

લખતો રહ્યો છું કાવ્ય હું સંબોધીને તને
કિંતુ ગઝલની નીચેથી મારી સહી ગઈ !

આવ્યો છું કંઈ સદી પછી તારે આંગણે
ગાળી’તી ચાર ક્ષણ ને મને ઓળખી ગઈ ?

સુમસામ માર્ગ પર હજી તાજી સુગંધ છે
કોઇ કહો, વસંતની ક્યાં પાલખી ગઈ ?

~ ભગવતીકુમાર શર્મા (31.5.1934 – 5.9.2018)

4 thoughts on “ભગવતીકુમાર શર્મા ~ આશ્ચર્ય છે કે”

  1. દેવેન્દ્ર બી રાવલ

    વાહ બેમિસાલ ગઝલ

  2. હરીશ દાસાણી.મુંબઈ

    ભગવતી કુમાર નામ સાર્થક થઈ જાય એવી સરસ રચનાઓ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *