વિવેક કાણે ‘સહજ’ ~દેખાય તું ન ક્યાંય

🥀🥀

દેખાય તું ન ક્યાંય, ને હું દૃશ્યમાન છું,
તું મૌનની સ્વરાવલિ, હું વૃંદગાન છું.

જોટો ન મારો ક્યાંય ને તું પણ અનન્ય છે,
તારા સમાન તું, ને હું મારા સમાન છું.

ઝુમરામાં બદ્ધ કોઈ વિલંબિત ખયાલ તું,
હું મારવામાં બદ્ધ, કોઈ બોલતાન છું.

તારો જ કૃષ્ણ રંગ છે, એવું ન માન તું,
વાદળ સમાન હું’ય સહેજ ભીનેવાન છું.

તું વિદ્યમાન સૃષ્ટિના કણકણમાં હોય તો,
હું પણ એ બે કણોની ‘સહજ’ દરમિયાન છું.

~ વિવેક કાણે ‘સહજ’

પ્રેમની વાત કરીએ ત્યારે તર્કને તોડી પાડવો પડે. તર્કની સરહદમાં પ્રેમ પ્રવેશે નહીં કેમ કે એને માત્ર હૃદય સાથે સંબંધ છે. અહીં વાત ‘હું’ અને ‘તું’ની છે, જે પ્રેમીઓ છે. પ્રેમ બંને પક્ષે છે કે એકરાગી એ કવિ જ જાણે….. કવિની અનુભૂતિને આપણે માણવાની છે.

કવિ બંને પાત્રોની સરખામણી કરે છે પણ આ સરખામણી ભૌતિક ક્યાંથી હોય, જ્યારે વાત જ હૃદયની છે. પ્રિયપાત્ર દેખાતું નથી, એ મનમાં છે. એટલે જ એ મૌનની સ્વરાવલિ છે તો પોતાને નાયક વૃંદગાન કહે છે, જુઓને, એ તો કવિતા કરવા બેઠો છે! કવિને સંગીત પ્રિય લાગે છે એટલે પ્રતીકો  જુઓ; સૂરાવલિ, વૃંદગાન, મારવા, બોલતાન…..   

બંને પાત્રો અનન્ય છે, બંને વિશિષ્ટ છે. પ્રેમમાં શરીર તો મૂળ માધ્યમ છે આથી વર્ણની, ચામડીની વાત પણ કવિ કરે છે. અંતે પ્રિય પાત્ર અત્ર તત્ર સર્વત્ર હોય તો પોતાની હાજરી પણ સઘળે – એ બે કણોની વચ્ચે – અને ‘સહજ’ રીતે. અહીં ‘સહજ’ કવિનું ઉપનામ તો છે જ પણ બે કણોની વચ્ચે દરમિયાન થવામાં સહજપણું બતાવી પોતાના પ્રેમને પણ સહજ રીતે વ્યાખ્યાયિત કરી દે છે.

એક સહજ, સરળ, સ્પર્શી જતું પ્રેમકાવ્ય !   

7 thoughts on “વિવેક કાણે ‘સહજ’ ~દેખાય તું ન ક્યાંય”

  1. Kirtichandra Shah

    Maykada ke mansar !
    Chifad Satyani.Ayno batav
    Hathiyar katlanu …..pichu to nathine!
    Enjoyed very much Enjoyed

    1. ઉમેશ ઉપાધ્યાય

      બધી રચનાઓ મજા આવી 👌👌

  2. ભાઈ વિબેકની રચનાઓ સરસ છે.
    ટૂંકમાં પતાવ…જરા ભાવનગરી, મારી રીત પણ યાદ આવી ગઈ.
    સરયૂ પરીખ.

  3. દિનેશ ડોંગરે નાદાન

    વાહ સરસ ગઝલો‌ વિવેક.

  4. Makarand Musale

    કવિ વિવેક કાણેની ગઝલોમાં છંદોવૈવિધ્ય અને કાફિયા હંમેશા ધ્યાનાકર્ષક રહ્યા છે. મોડસઑપરૅન્ડી જેવા અંગ્રેજી શબ્દો ગુજરાતી ગઝલમાં પોતાના ઉપનામની જેમ સહજ લઈ આવે છે. ‘ઝુમરામાં બદ્ધ કોઈ વિલંબિત ખયાલ તું’ જેવા શેરમાં વાચક થોડો સજ્જ હોય તો એ આહ અને વાહ બંનેથી શેરને નવાજશે એ નક્કી. ‘નથી ને?’ રદીફમાં પ્રગટ થતો કાકુ ગઝલની બાનીને દ્વિગુણિત કરે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *