
🥀🥀
મારા શરીરના દરેક કોષમાં, શ્વસતી મારી પરી !
ને એના તાલબદ્ધ ધબકારમાં જ તો છે મારી ધરી !
મારા શરીરના અંધકારમાં ઝળહળ ઝળહળ પરી
ને એના તાલબદ્ધ ધબકારમાં જ તો છે મારી ધરી !
મારી છાતીના આચમનમાં તૃપ્ત મારી પરી
ને એના તાલબદ્ધ ધબકારમાં જ તો છે મારી ધરી !
મારા વ્હાલસોયા ઘરમાં કિલકારીઓ છે ભરી
ને એના તાલબદ્ધ ધબકારમાં જ તો છે મારી ધરી !
પાપા પગલી, મમ્મી-મમ્મી, કરતી મારી પરી
ને એના તાલબદ્ધ ધબકારમાં જ તો છે મારી ધરી !
~ મહાશ્વેતા જાની
મહાશ્વેતા જાનીની મા-દીકરીના સ્નેહબંધનની આ કવિતા. દીકરી એટલે તુલસીક્યારો, દીકરી એટલે ગુલાબનું ફૂલ, દીકરી એટલે જૂઇની વેલ… કેટકેટલું કહેવાયું છે દીકરી માટે !! દીકરીમાં માને પોતાનું પ્રતિબિંબ દેખાય છે અને પિતાને એક ફૂંફાળો ખૂણો. ઘણીવાર એવુંયે બને છે કે દીકરી મા કરતાં બાપની નજીક વધુ હોય પણ સામાન્ય રીતે માતાની સાથે એના તાર વધુ સંધાયેલા હોય છે..
અહીં મા પોતાની દીકરી વિશે શબ્દોમાં હૃદય છલકાવે છે. પોતાના જ કોષમાંથી જે ઉત્પન્ન થઇ છે એ દીકરી શરીરમાં વહેતા લોહીની સાથે વહેતી હોય ને લેવાતા શ્વાસ સાથે સરતી હોય એ સ્વાભાવિક છે. હૃદયના પ્રત્યેક તાલબધ્ધ ધબકારની સાથે આ નાનકડી પરી ધબક્યા રાખે છે. માત્ર ધબકતી જ નથી, એ જીવનની ધરી બની રહી છે. એની આસપાસ જ માતાની બધી દિનચર્યા, એની પ્રત્યેક ક્રિયા વણાયેલી છે. માતાને એના સિવાય બીજું કંઈ સુઝતું નથી, એના સિવાય કંઈ દેખાતું નથી. અંદર વ્યાપેલા અવકાશમાં પોતાની પરી જ ઝળહળ થાય છે. છાતીમાંથી નીકળતી દૂધની ધારા અને એના આચમને જ જીવનની તૃપ્તિ છે.
ઘર એના થકી જ રૂડું છે, ભર્યુંભર્યું છે. એની કિલકારીઓથી ઘરની હવા હિલોળા લે છે. એના નટખટ અવાજોથી ઘરમાં સંગીત રેલાય છે. એ જ્યારે પાપા પગલી માંડે છે ત્યારે જીવનની સ્થગિતતા ખતમ થાય છે. એમાં ચેતનાનો સંચાર થાય છે. એ નાનકડી પરીનો જ પ્રતાપ છે કે જીવન એના પૂર્ણ અજવાસથી ઉઘડે છે. કેટકેટલું કહી શકાય પોતાની દીકરી વિશે. ગ્રંથોના ગ્રંથો ભરાય તોય આ વહાલની વાતો ખૂટે નહીં !! અને છતાંય આમ જુઓ તો એક અમીભરી નજરમાંય બધું સમાઈ જાય. કોઈ શબ્દોની જરૂર ન રહે…
કાવ્યસેતુ 140 @ દિવ્ય ભાસ્કર @ 10 જૂન 2014

દીકરી ઉપર સ્નેહ સભર કાવ્ય! ઘણાં રચાયેલાં કાવ્યોમાં સુંદર ઉમેરો.
કાળજાનો કટકો અહીં પરી બનીને આવ્યો છે. વાત્સલ્યભરી સરસ રચના. આસ્વાદ પણ બરાબર.