એષા દાદાવાળા ~ એક કાવ્ય

🥀🥀

દીકરીને અગ્નિદાહ આપ્યો,
તે પહેલા ઈશ્વરને
બે હાથ જોડીને કહ્યું હતું,

સાસરે વળાવતો હોઉં એવી જ રીતે
મારી દીકરીને વિદાય કરું છું,
ધ્યાન રાખીશને એનું?

અને પછી મારામાં અગ્નિદાહ દેવાની તાકાત આવી,
લાગ્યું કે ઈશ્વરે વેવાઈપણું સ્વીકારી લીધું…!
એને અગ્નિદાહ આપીને પાછો ફર્યો ત્યારે પત્નીએ
આંગણામાં પાણી મૂક્યું હતું…

નાહી નાખવાનું હવે દીકરીનાં નામનું…!

દીકરી વિનાનું ઘર આજે દસ દિવસનું થયું…
પત્નીની વારેવારે ભરાઈ આવતી આંખો
દીકરીના ડ્રેસિંગટેબલ અને છેલ્લાં દસ દિવસથી

એકદમ વ્યવસ્થિત રહેલાં એનાં વોર્ડરોબ પર ફરી વળે છે…
હું પણ ત્યાં જોઉં છું ને એક

નિસાસો નંખાય જાય છે…

ઈશ્વર, દીકરી સોંપતા પહેલાં તારા વિશે
તપાસ કરાવવાની જરુર હતી,
કન્યાપક્ષના રિવાજોને તારે માન આપવું જોઈએ,

દસ દિવસ થઈ ગયાં…
અને અમારે ત્યાં પગફેરાનો રિવાજ છે…!!! 

~ એષા દાદાવાળા

આ કવિતા વાંચ્યા પછી કશું જ વાંચી લખી શકાય નહીં

6 thoughts on “એષા દાદાવાળા ~ એક કાવ્ય”

  1. સુરેશ 'ચંદ્ર'રાવલ

    આ કાવ્ય કવિ હદયને હલબલાવી નાખે તેવું છે… !
    કોઈપણની દીકરી સમય પહેલાં ઈશ્વરના ઘરે ના જાય તેવી હું ઈશ્વરને પ્રાર્થના કરું છું..! લતાબેન…! આ કાવ્ય માટે કવિયત્રીની કલમને સાદર નમન કરું છું…!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *