જયંત ડાંગોદરા ~ ભલેને એક પાંદડુંય

🥀🥀

ભલેને એક પાંદડુંય પણ હલે નહીં,
પવનને સ્થિરતા જરાય પાલવે નહીં.

વિકલ્પ અન્ય કોઈ હોય તો બતાવ તું,
નદી સમુદ્રમાં કદાચ તો ભળે નહીં !

કુમાશ એટલી હદે તું લાવ સ્પર્શમાં,
લજામણીય સ્હેજ પણ ઢળી પડે નહીં.

અસંખ્ય દીપ પાથરે ઉજાસ આભમાં,
છતાંય અંધકારની કલા ઘટે નહીં !

હજાર દાખલા દલીલ કાં ન આપ તું,
ન માનવાનું વ્રત હશે તો માનશે નહીં.

~ જયંત ડાંગોદરા

પ્રથમ અને ત્રીજા શેરમાં નહીં શબ્દની કળા અને રમણા નોંધનીય છે ! કુમાશની સરહદ ક્યાં જઈને પહોંચે છે ! વાહ કવિ ! 

4 thoughts on “જયંત ડાંગોદરા ~ ભલેને એક પાંદડુંય”

  1. પૂજ્ય બાપુ

    વાહ જયંતભાઈ બંને ગઝલ મજાની.

  2. પટોળામાં ભરેલી ભાત જેવી રાત હાજર છે,
    ત્વચામાં કંઈક ગમતા સ્પર્શનો વૃત્તાંત હાજર છે. સરસ રચનાઓ.
    સરયૂ પરીખ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *