મનોહર ત્રિવેદી ~ઊડી ઊડી રે

🥀🥀

ઊડી ઊડી રે એક ચરકલડી ઊડી, એની પછવાડે ઊડ્યું આ આંગણું –
એનાં હરિયાળાં આ પગલાંની ભાત્યે તો આજ લગી રાખ્યું રળિયામણું

સીમમાંથી આવેલી કિરણોની પોટલીને
ખોલે હળવેથી મોંસૂઝણે
વ્હેલી સવાર કદી કલરવમાં ન્હાય :
કદી ઘરને ઘેર્યું’તું એનાં રૂસણે
દિવસો તો ઊગે ને ઝાંખા થૈ જાય : પડે ઝાંખું ના એક્કે સંભારણું
ઊડી ઊડી રે એક ચરકલડી ઊડી, એની પછવાડે ઊડ્યું આ આંગણું

પંખી કહેતાં જ હોય આંખ સામે દીકરી
ને હોય એક તુલસીનો ક્યારો
પાદરની ગોધૂલિવેળા છે દીકરી
કે વ્હેતિયાણ સરિતા-કિનારો
દીવો ઝાલીને અહીં માડીના વેશમાં સૂનું ઝૂરે છે હવે બારણું
ઊડી ઊડી રે એક ચરકલડી ઊડી, એની પછવાડે ઊડ્યું આ આંગણું

~ મનોહર ત્રિવેદી

દીકરીની વિદાય જાણે ચરકલડીના ઊડી ગયા પછીનું સૂનું આંગણું.  

4 thoughts on “મનોહર ત્રિવેદી ~ઊડી ઊડી રે”

  1. કિશોર બારોટ

    ગીતોમાં એક આગવી મુદ્રાથી પોતાની ઓળખ ઊભી કરનાર સમર્થ કવિ મનોહરજીને જન્મદિને સાદર વંદન. 🙏

  2. લલિત ત્રિવેદી

    તળપદા ગીતના મૌલિક સર્જક, ગઝલકાર મારા આદરણીય મનોહરભાઈને અઢળક શુભેચ્છાઓ અને વંદન

  3. સુરેશ 'ચંદ્ર'રાવલ

    એકદમ હળવા ફૂલ જેવાં બન્ને ગીત અને સાથે તળપદી ભાષાનો વૈભવ… વાહ ખૂબ સરસ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *