🥀🥀
ધૂપથી નીકળ્યો, અને હું ધૂપમાં ઊતરી ગયો,
તો ય મુજ પડછાયો કેવા છાંયડા ચીતરી ગયો !
પૂર્વાજન્માશ્રમ મહીં હોઈશ હું ગુલમહોર તે,
આ ભવે પણ જો, સહજ ભાવે, સૂરજ ઝીલી ગયો.
એ નદી સૈકા પછી થઈ શહેર વચ્ચેથી પસાર
ને રૂપાંતર પામતો હું પથ્થરે અટકી ગયો.
અંધકારે રહીને પણ આપી છે મુજ ઓળખ અલગ,
ફૂલ બેલાનું થઈ પધરાવમાં મ્હેકી ગયો.
એ પ્રતિમા પર ઝીણેરો પડદો ઝલમલતો હતો ,
કોઈને હાથે અચાનક આજ લો , સરકી ગયો.
રાતને ત્રીજે પ્રહર જાગી ઊઠી છે આ ગઝલ,
શું કરું, તું સાંભરી ને હું મને સ્ફૂરી ગયો.
~ કિસન સોસા ‘અનામય’ (4.4.1939 )
🥀🥀
બે ઘડી તું ઘર બની, ઉંબર બની, આંગણ બની;
કંકણે રણકી ઊઠી, સિંદૂરે સોહાગણ બની.
સ્વપ્ન જેવું યાદ તારું ઘૂંઘટે ઢાંક્યું વદન;
કેડીએથી તું વહી ચાલી ઝીણી રણઝણ બની.
રેતમાં જળના ચરણ કેટલું ચાલી શકે ?
આખરે થાકી નદી રણમાં ઠરી ગૈ રણ બની.
જે કદી સ્વપ્નેભર્યા વિસ્તૃત સમય જેવી હતી,
એ સમેટાતી સમેટાતી હવે એક ક્ષણ બની.
~ કિસન સોસા ‘અનામય’

જે કદી સ્વપ્નેભર્યા વિસ્તૃત સમય જેવી હતી,
એ સમેટાતી સમેટાતી હવે એક ક્ષણ બની….Good poems.