માલા કાપડિયા ~ હે કવિ

🥀🥀

હે કવિ
ઉઘાડ તારા હૃદયની બંધ બારીઓ,
વિસ્તરવા દે આકાશની અસ્મિતાને.
અણુ અણુમાં
પ્રગટવા દે
શત શત સૂર્યફૂલ,
પ્રણયના ગીતને ઝૂમવા દે,
તારા હોઠથી લઇને પગની થિરકન સુધી
કે
આજે છે નવો ઉઘાડ
અવકાશમાં
વસંતના આગમનને
વહાવી લઇ જવા દે
સંચિત વેદનાના સૂકા પર્ણો
જો,
આનંદના સહસ્ત્રદલ
તારી પ્રતિક્ષામાં
ગૂંજી રહ્યો છે
શંખનાદ નવા યુગનો ! ….. માલા કાપડિયા

કવયિત્રી માલા કાપડિયાનું આ કાવ્ય વસંતના આગમનને આવકારે છે કે જીવનના દુખની પળોને ખંખેરી સુખને શણગારવાની શીખ આપે છે !! તમે કહેશો, બન્ને.. સાચી વાત છે. કવિતાની આ જ તો ખૂબી છે ને! કાવ્યમાં સંબોધન કવિને છે પણ કદાચ કોઇ વ્યક્તિ એવી નહીં હોય જેના હૃદયે કદી વ્યથા, નિરાશા ન અનુભવી હોય ! આમ તો પીડા અને વિરહના ગીતો સામે પણ એક હળવી તરજ આ કવયિત્રી છેડી જાય છે કેમ કે દુખ સુખ, આશા નિરાશા, મિલન વિરહ – જીવનમાં આ બધાની આવજા ચાલ્યા કરે છે.

કવિએ અને આપણે સૌએ હૃદયની બારી ખોલવાની છે જે નાના સરખા આઘાતમાં યે કે જરા સરખી વિષમ પરિસ્થિતિમાં યે બંધ થઇ જતી હોય છે.. ત્યારે આકાશની અસીમતાને, આકાશની અસ્મિતાને ત્યાં પ્રવેશવા દેવી અને વિસ્તારવી એ આનંદનો ઉઘાડ છે. સંદેશ એ જ છે, રોમેરોમમાં શત શત સૂરજમુખી ખીલવા દેવાના છે. ફૂલે ખીલેલી સૃષ્ટિ જ્યારે દરવાજે દસ્તક દે ત્યારે ઉરના આગળા ભીડેલા કેમ રખાય ? હોઠ હસે અને પગ નાચી ઊઠે એવા પ્રીતના ગાન દિલોદિમાગ પર છવાઇ જાય ત્યારે અને તો જ મેઘધનુષના રંગોથી રંગાયેલું આકાશ અનુભવાય…..

જૂના, સૂકા પર્ણો ભલે ખરી પડતા. સમયનો બદલાવ સ્વીકારવાનો છે, આવકારવાનો છે. એની હૃદયમાં સ્થાપના કરવાની છે. એટલી દૃઢ રીતે કે ત્યાં નિરાશાની એક લહર પણ પ્રવેશી શકે નહીં.  હવે નવી કૂંપળો અને નવી કળીઓ ઝૂમી ઊઠશે, એનું સ્વાગત હો… પીડાની પાનખર સમાપ્ત થવા દઇને આનંદના આ નવઅવસરે ખુશમિજાજ વાયરાને અનુભવવાનો છે.. નવા યુગનું સ્વાગત કરવાનું છે….   

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ 122 > 28 જાન્યુઆરી 2014

2 thoughts on “માલા કાપડિયા ~ હે કવિ”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *