ભગીરથ બ્રહ્મભટ્ટ ~ તોર તોરીલા તડકા પીને

🥀🥀

તોર તોરીલા તડકા પીને લીલમલીલા લીમડા
લહેરી છાંયડો બની જાય
મોગરા મહેકી જાય

ફાગણ ડાળે ચૈતર ઝૂરે તાપની પાંખો ડાળે ફફડી છાંયે ઝૂલી
માળો ગમી જાય
આભમાં ઊડી જાય

ભડ ભડ થાતા ભડકા જેવા કેસુડાના રંગો કેવા!
આખેઆખા ઝાડને ગળી જાય
પાંદડા ખરી જાય

તડકા સોયે વાયરો ગૂંથે ગરમાળાને, પીળાં પીળાં
તોરણ બની જાય
માંડવો બની જાય

સોનલવરણી મંજરીઓથી તડકે ઊભો આંબો આખો
મુગટ બની જાય
મનનો રાજા થાય

ટૂંકા છાંયે બપોર ટાણે આંબા ડાળે ટહુકા ભેળી
કેરિયું ઝોલા ખાય
ટહુકે આંબા ન્હાય

વચલી વેળા હાંફી હાંફી જીભડી કાઢી ઝાડનાં ઝીણાં
છાંયડા ચણી જાય
સમીર સકળ વાય

~ ભગીરથ બ્રહ્મભટ્ટ

તડકાનું તાદૃશ્ય ચિત્રાંકન કરતું આ ગીત.

ઉનાળો એનો અસલ મિજાજ બતાવાના મૂડમાં આવી રહ્યો છે ત્યારે આ ગમશે.

2 thoughts on “ભગીરથ બ્રહ્મભટ્ટ ~ તોર તોરીલા તડકા પીને”

  1. હરીશ દાસાણી.મુંબઈ

    રમણીય કલ્પનોથી સમૃદ્ધ સુંદર ગીત

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *