સુંદરમ્ ~ પાંચ કાવ્યો * Sundaram
🥀🥀
દરિયાને તીર એક રેતીની ઓટલી
ઊચીં અટૂલી અમે બાંધી જી રે.
પગલું તે એક એક પાડે મહેમાન એમ
રામજીની આણ અમે દીધી જી રે.
પહેલા મહેમાન તમે આવો, સૂરજદેવ,
પગલું સોનેરી એક પાડજો જી રે.
પગલામાં નવલખ તારાની ભાત ને
સંધ્યાના રંગ બે’ક માંડજો જી રે.
બીજા મહેમાન તમે આવો, પવનદેવ,
પગલું પનોતું એક પાડજો જી રે.
પગલામાં વાત લખો પરીઓના દેશની
ફૂલડાંની ફોરમ પૂરજો જી રે.
ત્રીજા મહેમાન તમે આવો, સમદરદેવ,
પગલું મોતીનું એક પાડજો જી રે.
પગલામાં મહેલ ચણી સાતે પાતાળના,
માણેકના દીવા પ્રગટાવજો જી રે.
ઘીરે મહેમાન જરા ધીરેથી આવજો,
પગલાં તે પાડજો જાળવી જી ને,
જોજો વિલાય ના એ પગલાંની પાંદડી,
બાળુડે ઓટલી બનાવી જી રે.
~ ~ સુંદરમ્ (22.3.1908 – 13.1.1991)
🥀🥀
મારી બંસીમાં બોલ બે વગાડી તું જા,
મારી વીણાની વાણી જગાડી તું જા.
ઝંઝાના ઝાંઝરને પહેરી પધાર પિયા,
કાનનાં કમાડ મારાં ઢંઢોળી જા,
પોઢેલી પાંપણના પડદા ઉપાડી જરા,
સોનેરી સોણલું બતાડી તું જા. …મારી
સૂની સરિતાને તીર પહેરી પીતાંબરી,
દિલનો દડૂલો રમાડી તું જા,
ભૂખી શબરીનાં બોર બેએક આરોગી,
જનમભૂખીને જમાડી તું જા. …મારી
ઘાટે બંધાણી મારી હોડી વછોડી જા,
સાગરની સેરે ઉતારી તું જા,
મનના માલિક તારી મોજના હલેસે
ફાવે ત્યાં એને હંકારી તું જા. …મારી
~ સુંદરમ્ (22.3.1908 – 13.1.1991)
🥀🥀
પુષ્પ તણી પાંદડીએ બેસી હસતું કોણ ચિરંતન હાસ ?
પૃથ્વી ઉરથી ઊઠે કોનો સુરભિત પુલકિત મુખરિત શ્વાસ ?
કોણ બદલતું સન્ધ્યાકાશે પલ પલ નવલાં પ્રેમળ ચીર ?
કોણ ઊછળતી મોકલતું નિજ કુમળી ઊર્મિ સરવરતીર ?
અહો, ગુંથતું કોણ પૃથ્વીને સેંથે ઝાકળમોતીમાળ ?
તરુએ તરુએ ફળતી કોની આશા કેરી શાખ રસાળ ?
કોનાં કંકણ બાજે એકલ સરિતા કેરે સૂને ઘાટ ?
પર્વતને શિખરે સ્થિર બેસી કોણ સનાતન જોતું વાટ ?
ઓ સારસની જોડ વિષે ઊડે છે કોની ઝંખનઝાળ ?
અહો ફલંગે કોણ અધીરું વાદળ વાદળ માંડે ફાળ ?
અંતરની એરણ પર કોની પડે હથોડી ચેતન રૂપ ?
કાળ તણી ધરતીમાં ખોદી કોણ રહ્યું જીવનના કૂપ ?
~ ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર ‘સુન્દરમ્’ (22.3.1908 – 13.1.1991)
🥀🥀
પટે પૃથ્વી કેરે ઉદય યુગ પામ્યો બળ તણો,
ભર્યાં વિદ્યુત્, વાયુ, સ્થળ, જળ મૂઠીમાં જગજને,
શિકારો ખેલ્યા ત્યાં મદભર જનો નિર્બળ તણા,
રચ્યાં ત્યાં ઊંચેરાં જનરુધિરરંગ્યાં ભવન કૈં.
ધરા ત્રાસી, છાઈ મલિન દુઃખછાયા જગ પરે,
બન્યાં ગાંધી રૂપે પ્રગટ ધરતીનાં રુદન સૌ,
વહેતી એ ધારા ખડક-રણના કાતિલ પથે,
પ્રગલ્ભા અંતે થૈ, ગહન કરવા વાચ પ્રગટી :
હણો ના પાપીને, દ્વિગુણ બનશે પાપ જગનાં,
લડો પાપો સામે વિમળ દિલના ગુપ્ત બળથી,
પ્રભુ સાક્ષી ધારી હૃદયભવને, શાંત મનડે
પ્રતિદ્વેષી કેરું હિત ચહી લડો; પાપ મટશે.
પ્રભો, તેં બી વાવ્યાં જગપ્રણયનાં ભૂમિઉદરે,
ફળ્યાં આજે વૃક્ષો, મરણપથ શું પાપ પળતું !
~ ‘સુન્દરમ્’ (22.3.1908 – 13.1.1991)
🥀🥀
નમું તને, પથ્થરને? નહીં, નહીં,
શ્રદ્ધા તણા આસનને નમું નમું :
જ્યાં માનવીનાં શિશુ અંતરોની
શ્રદ્ધાભરી પાવન અર્ચના ઠરી.
કે મુક્ત તલ્લીન પ્રભુપ્રમત્તની
આંખો જહીં પ્રેમળતા ઝરી ઝરી.
તું માનવીના મનમાં વસ્યો અને
તનેય આ માનવ માનવે કર્યો;
મનુષ્યની માનવતાની જીત આ
થયેલ ભાળી અહીં, તેહને નમું.
તું કાષ્ઠમાં, પથ્થર, વૃક્ષ, સર્વમાં,
શ્રદ્ધા ઠરી જ્યાં જઇ ત્યાં, બધે જ તું.
તને નમું, પથ્થરનેય હું નમું,
શ્રદ્ધા તણું આસન જ્યાં નમું તહીં.
~ સુંદરમ્ (22.3.1908 – 13.1.1991)
વાહ ખુબ સરસ રચનાઓ અમો એ ધણા વર્ષો આ કાવ્યો વિદ્યાર્થી ઓને ભણાવ્યા સ્મ્રુતિવંદન
સુન્દરમ્ ની બધી રચનાઓ આસ્વાદ્ય છે. વવંદન.
જેવું નામ તેવું જ ઉત્કૃષ્ટ સર્જન.સુંદરમ્. કૃતિઓ કાવ્યાનંદ અને આધ્યાત્મિક સ્પર્શ આપે છે.
વારંવાર વાંચેલા અને વાંચવા ગમે તેવા કાવ્યો.