તનસુખ ભટ્ટ ‘યાત્રી’ ~પુષ્પથી ગંધ સમ

🥀🥀

*મેઘસંગમાં*

પુષ્પથી ગંધ સમ, દીપથી તેજ સમ,
સૂર સમ વા સતારીથી સરતા
દૂરના દેશથી ભીનલા અનિલ આ
મધુર સુરભિ તણાં ઝરણ ઝરતાં.

સૂર્ય છાયો ઘને, શ્યામ છાયા વને;
લીલુડાં ખેતરો મૌન મરકે,
સ્તબ્ધતા છાવરે આભ ને અવનીને
ચિત્તમાં વાયુનાં ઘેન ફરકે.

શ્યામ અમ્બર મહીં શુક સૂડા લીલુડા
ઝુંડ રચતા ઊડે સ્વૈર પાંખે.
પલ્વલે ઊડતી ધવલ બગ-આવલી
વૃષ્ટિ આમંત્રતી મત્ત આંખે.

દૂરની વૃષ્ટિનાં ઇષ્ટ સૂચન થકી
ચિત્ત ઉત્કંઠ બની બ્હાર જાતું,
મેઘ, વર્ષા, તડિત, કાટકા સંગમાં
રંગમાં આવી અન્ત નહાતું.

~ તનસુખ ભટ્ટ ‘યાત્રી’ (21.3.1911)

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *