લતા હિરાણી ~ જળકાવ્યો


🥀🥀
*ઝરણ*
જળની થાયે ભીડ એકસામટી
મારગ ન મળે પછી ખાબકે
ધસમસાટ
ઊંચા પહાડેથી….
કરે ધક્કા-મુક્કી એવી
કે રસ્તામાં અસંખ્ય શિકરો
ધમરોળતી જાય હવાને
ને ધરતી ઝીલ્યા કરે છાતી પર
જળનું ખળખળતું વ્હાલ….
🥀🥀
*ઝાકળ*
રાત આખીનો
પ્રસવકાળ વેઠી
પાંદડીને પેટે અવતરેલ
ઝાકળને
હળવેકથી ચૂમી જાય
સૂર્યકિરણ….
🥀🥀
*મૃગજળ*
રાખ્યા સંતાડીને
કંઈ કેટલાય મૃગજળ
પલળવા ન દીધા
જરીકે
શબ્દો
કોરા કાગળના…
🥀🥀
*આંસુ*
આંખથી ઝમેલ
બે-ચાર ટીપાં
જંપવા ન દે
પાંપણોને
રાતભર…
🥀🥀
*ભીનાશ*
એક છોકરીની
આંખની ભીનાશ
વાવી દે
આખ્ખું ચોમાસું
છોકરાની છાતીમાં…
🥀🥀
*સરોવર*
ભરાય-સુકાય
સુકાય-ભરાય
વધે-ઘટે
ઘટે-વધે
શું તળાવને પણ
પાપ-પૂણ્ય નડે !
🥀🥀
*ધોધ*
પહાડો પરથી
ધસતો
ધસમસતો ધોધ
આંખને બક્ષે
આંખપણું !
🥀🥀
*નદી*
આલિંગનની તરસ
એટલે
નદીના
પૂરપાટ વહેતાં જળ….
🥀🥀
*વરસાદ*
ખેતરને
બાથમાં લઈને ઊડ્યાં
જળભર્યા વાદળ
અને
ક્ષિતિજે ઊગી ગયા
રંગોના ગુલાબ !
🥀🥀
*સાગર*
બહેરા છે ખડકો
તોય ક્યાં ધરાય
સાગર
વાતો કહેતાં !
🥀🥀
*જળ*
જળમાં નાહી
ઊડેલી ચકલી
ખેરવે પાંખથી
બાળકની ખુશી…
~ લતા જગદીશ હિરાણી
****
વિશ્વ જળદિને મારાં થોડાક લઘુકાવ્યો
મારી વાર્તા આપ નીચેની લિન્ક પર વાંચી શકો છો. આભાર.
ખુબ સરસ જળ કાવ્યો ખુબ ખુબ અભિનંદન
વાહ,, આ ખજાનો સાચવી રાખ્યો તો આજના દિવસ માટે ! ધન્યવાદ
જળ કાવ્યો ખૂબ સરસ છે
ખૂબ ટૂંકા સરળ ભાષામાં લખાયેલા જળ કાવ્યો સરસ છે. અભિનંદન.
લતાબહેન, તમે તો આજે કાવ્યો લખ્યાં છે કે ચિત્રો દોર્યા છે?!!!!
મજા આવી ગઈ ખ્યાતિ !
ખુબ સરસ કાવ્યો
ખૂબ સરસ, લતાબેન.
જળ જેવાં સ્નિગ્ધ,મોહક લઘુકાવ્યો.
આભાર અને આનંદ વ્યક્ત કરું છું, હરીશભાઈ, શ્વેતાજી, ખ્યાતિ, કૌશલભાઈ, મીનલબેન, કીર્તિભાઈ, છબીલભાઈ અને મુલાકાત લેનારા સૌ મિત્રો.
વાહ લતાબેન….! આપની કલમે અદભુત કવિકર્મ કર્યું છે….!
બધાં જળ કાવ્યો હદયને સ્પર્શી ગયાં… તેમાં પણ મૃગજળ અને ઝાકળ તો અદભુત…! આપને ખૂબ ખૂબ અભિનંદન…!
જેને રંગ, ગંધ, સ્વાદ, આકાર નથી એવાં પાણીનાં જુદા જુદા સ્વરૂપો વિશે અદ્ભુત લઘુકાવ્યો. અભિનંદન.
આભાર સુરેશભાઇ, હર્ષદભાઈ અને સર્વે મુલાકાતીઓ