🥀🥀
*ચાંદની*
શરદરજની ધીરે ધીરે ગળાઈ ચળાઈને
અજબ ઊઘડી મોડી મોડી ખીલી પુરબા’રમાં!
કપૂર ધવલા આછી ગાઢી હસે મૃદુ ચાંદની,
પવન પર થૈ ધોળાં ધોળાં ખસે રૂપ આભલાં.
પલ પલ ખૂલે જ્યોત્સના કેરાં દલેદલ, મધ્યમાં
પ્રકટ પૃથિવીની ઊભી જાણે લસે નવપદ્મજા!
પૃથક ઘટકો ચન્દ્રીતેજે પરસ્પરમાં ગળી,
સુઘટિત રચે એકત્વે સૌ કલામય પુદ્ગલ.
દિવસ અજવાળે જે દીસે વિરૂપ, લજામણું
સ્વરૂપ પલટી તે તે ઊભું નવું સુહામણું!
જગસકલની ત્રાંબાકુંડી ભરી તસુએ તસુ,
શશિયર સ્વયં ના’વા જાણે રહ્યો નભથી સરી!
ભવનભવને મેડી સૂતાં મીઠાં યુગલો પરે,
સહજ અમથાં છિદ્રોથીયે નરી મમતા દ્રવે!
ગિરિ, વન, નદી, મેદાને થૈ સરે રમણીયતા,
પરણ પરની કીડીયે શી ધરે કમનીયતા!
અશરીર છતાં આકારો લે મનોહર ઊતરે,
ગહન વીમલાં સૌન્દર્યો શા રહી રહી નીતરે!
~ બાલમુકુન્દ દવે (7.3.1916 – 28.2.1993)

સાદર સ્મરણ વંદના.
સૌંદર્યાનુરાગી કવિને શ્રદ્ધાપૂર્વક વંદન.ભાવાંજલિ.