લતા હિરાણી ~ ઊગ્યું રે અજવાળું (ગીતસંગ્રહ) * વિનોદ જોશી

🥀🥀

ઊગ્યું રે અજવાળું (ગીતસંગ્રહ) * લતા હિરાણી * ગુર્જર 2024

સંયત ઊર્મિની સંતુલિત અભિવ્યક્તિ ~ વિનોદ જોશી

લતા હિરાણીનું નામ કાવ્યપ્રેમીઓ માટે અજાણ્યું નથી. એમની ‘કાવ્યવિશ્વ’ વેબસાઇટ કવિતા સાથે પનારો પાડનાર સહુને માટે પસંદગીનું ઠેકાણું છે. ચડિયાતી કાવ્યરુચિથી પરિષ્કૃત લતાબહેન સ્વયં એક કલાધર્મી કાવ્યસર્જક છે. વિવિધ કાવ્યસ્વરૂપોમાં એમની લેખિની સક્રિય રહી છે. ‘ઊગ્યું રે અજવાળું’ એમણે પસંદ કરેલ એમની ગીતસ્વરૂપની રચનાઓનો સમુચ્ચય છે.

ગીત એ ઊર્મિનાં ઝીલણ માટે સર્વથા યોગ્ય કાવ્યસ્વરૂપ છે. ગીતનો સ્વભાવ જ ઊર્મિસ્પંદનોને અભિવ્યક્ત કરવાનો છે. અહીં સમાવિષ્ટ રચનાઓમાં કાવ્યરસિકોને સંયત ઊર્મિની સંતુલિત અભિવ્યક્તિનો અનુભવ થશે. કવયિત્રીનાં મનોજગત અને ભાવજગત બંનેની અહીં જુગલબંધી છે. પણ ભાવજગત અહીં સર્વોપરી બની રહે છે તેથી એમનાં વડે ગીતસ્વરૂપની રચનાઓ સહજપણે નીપજી આવી છે તેમ કહી શકાશે. અહીં વ્યક્ત થતા ભાવોની પછવાડે કોઈને કારુણ્યમિશ્રિત અભિલાષાનો સૂર સંભળાશે તો કોઈને સ્વીકારની ભૂમિકાએ શાંત થઈ ગયેલો એ અભિલાષાનો અંતર્નાદ પણ સંભળાશે. સ્વ અને સર્વ વચ્ચે કવયિત્રીએ સાધી લીધેલા કોઈ સંતુલિત સત્યની ભાત મોટાભાગની ગીતરચનાઓમાં ઉપસે છે. પ્રકૃતિનાં તત્ત્વોને આલંબન બનાવી તેઓ વિચારોની ઘનતાને ઓગાળી દે છે અને તેમને પ્રવાહી ઊર્મિમાં પલટાવી નાખે છે. એમના શબ્દચયનમાં પરંપરાનું અનુસંધાન છે તો લયવિધાનમાં વૈવિધ્ય છે. પ્રાસાદિ સાથે  તેઓ બહુ સહજતાથી કામ પાડે છે. ક્યારેક નવાં શબ્દરૂપો પણ તેઓ નીપજાવી લે છે તો, લયાન્વિત ગીત-ગઝલ જેવા પ્રયોગો પણ દાખવે છે.

ગીતને માત્ર લયાવર્તનોની ભાતમાં ગોઠવાયેલા શબ્દ કે શબ્દસમૂહો બની જવામાંથી  ઉગારવાનો સમ્યક્ સર્જકપ્રયત્ન કરતાં આ  કવયિત્રી પાસેથી, આનાંથી પણ ચડિયાતાં ગીતો મેળવીને આપણે રળિયાત થઈ શકીએ તેવી સંભાવનાને હું નકારતો નથી.

~ વિનોદ જોશી

🥀 🥀   

‘અનુભવ્યું અજવાળું’ (નિવેદન)

ત્રીજો કાવ્યસંગ્રહ આવી રહ્યો છે ત્યારે અનુભવાય છે કે અંદરનો ખળભળાટ શાંત થતો જાય છે, ઊર્મિઓનો ઉછાળ ઝીણો થતો જાય છે, કોઈક ક્ષણો ઉછળીને વળગે છે ખરી પણ એકંદરે માંહ્યલો પ્રવાહ શાંત અને લયબદ્ધ વહ્યા કરે છે. મૌન સાદ દેતું સંભળાય છે.

મારી શબ્દયાત્રા ક્યારે અને કેમ શરૂ થઈ ? મારું પ્રથમ સર્જન કાવ્ય અને એ અછાંદસ. લગભગ એકવીસ-બાવીસ વર્ષની વયે એ સહજતાથી લખાયું જે તેંતાલીસમા વર્ષ સુધી ડાયરીમાં પડી રહેલું. ત્યાં સુધી હું પોતે પણ ડાયરીમાં જ હતી…

ડાયરીમાંથી કોઈ ફેરફાર વગર એ પ્રથમ કાવ્ય ‘કોરો કાગળ’ છપાયું, ‘અખંડ આનંદ’માં, પછી મહુવામાં પૂજ્ય મોરારિબાપુ આયોજિત અસ્મિતાપર્વથી માંડીને જ્યાં જ્યાં એનું પઠન થયું, લોકોએ ઉમળકાથી વધાવ્યું, જાણે – ‘કોરો કાગળ’ એટલે હું – એવું મારાં મનમાં પણ રચાયું…  એ કાવ્યને શ્રી રાધેશ્યામ શર્મા, શ્રી ચિનુ મોદી, શ્રી સુમન શાહ અને બીજા અનેકોએ શબ્દમાળ પહેરાવી. ચારેક સંપાદનોમાં લેવાયું. એ કાવ્યનો શ્રી પ્રતિષ્ઠા પંડયાએ કરેલો અનુવાદ શ્રી ઉદયન ઠક્કરે ‘Poetry India’માં પ્રકાશિત કર્યો, ડો. મીનાક્ષી જોશીએ કરેલા હિન્દી અનુવાદ ‘સાહિત્ય અકાદમી’ના પુસ્તકોમાં છપાયા અને મેં મને ‘અછાંદસ’નો સિક્કો લગાડી આપ્યો. એ પછી બીજાં ઘણા અછાંદસ લખાયાં, બે સંગ્રહ પણ થયા ‘ઝળઝળિયાં’ અને ‘ઝરમર’. શારડી નાખતા સંજોગોએ એ કાવ્યોને જુદો અવાજ આપ્યો છે.

અચાનક ગીતો ક્યાંથી આવ્યાં ? મારાં મમ્મી સંગીત વિશારદ. મામાનું આખું કુટુંબ સંગીતસેવી. સૂર, તાલ, લય લોહીમાં વહે. કદાચ એ કારણે છેલ્લાં થોડાં સમયથી ગીત લખવાનું મન થયું અને પછી તો પ્રવાસ ચાલ્યો…. ઘણાં ગીતો ઉપરાંત થોડી ગઝલ લખાઈ, હાલરડાં લખ્યાં, કુમાર અને કવિલોકના તંત્રી શ્રી પ્રફુલ્લભાઈ રાવળના પ્રેમાગ્રહથી ત્રણ સોનેટ પણ લખાયાં, જે કવિલોક અને કુમારમાં છપાયાં. આ બધું આ સંગ્રહમાં લેવાની ઇચ્છા હતી પણ પછી આને માત્ર ગીતસંગ્રહ રાખવો એમ વિચારી બીજું બધું રહેવા દીધું. નરસિંહ મહેતા પર પહેલી વાર ઝૂલણા છંદમાં ગીત લખાયું જે આ સંગ્રહમાં છે.

અછાંદસ હજી ગમે છે, લખાય છે પરંતુ હવે લય-તાલમાં વહેવું પણ એટલું જ ગમે છે. આ કાવ્યોએ મને ઉલ્લાસ આપ્યો છે, અજવાળું આપ્યું છે. એ કદાચ આપને પણ અનુભવાશે.

ખૂબ જાણીતા ગીતકવિ અને અખંડ આનંદના ‘કાવ્યકુંજ’ વિભાગના સંપાદક શ્રી હરિકૃષ્ણ પાઠકસાહેબ, મારાં ઘણાં ગીતો એમણે જ પસંદ કરીને છાપ્યાં છે. એમણે ખૂબ ઝીણવટથી આ સંગ્રહ તપાસી આપ્યો છે. ક્યાંક રહેલી ભૂલો સુધારી આપી છે. એમના સ્નેહને હું વંદન કરું છું. મૂળે વિચાર બધું જ મૂકવાનો હતો અને પાઠકસાહેબને મેં એ પ્રમાણે ફાઇલ આપી હતી. સ્વાભાવિક છે એમાં ગઝલ, સોનેટ વગેરે પણ હતાં. પછી માત્ર ગીતો લેવાનો વિચાર કર્યો એટલે પાઠકસાહેબે તપાસેલાં ગીતો સળંગ એકસાથે 1-43 મૂક્યાં છે અને 44-51 આઠ ગીતો નવાં લખ્યાં અને જોડ્યાં જે પાઠકસાહેબે જોયાં નથી. એ ખાસ નોંધવું.  

ગીતોના સમ્રાટ એવા પ્રિય વિનોદભાઈ જોશી આ સંગ્રહ વિશે લખવા તરત હા પાડે અને પ્રેમથી લખી આપે એ મારી મોંઘી મિરાત છે.

જે જે સામયિકોના તંત્રી સંપાદકોને મારાં કાવ્યો ગમ્યાં છે, છાપ્યાં છે એનો આનંદ વ્યક્ત કરું છું. પ્રકાશિત કાવ્યોની નીચે સામયિકનું નામ-મહિનો-વર્ષ નોંધ્યા છે.

ગુર્જર જેવા પ્રતિષ્ઠિત પ્રકાશક મારો આ ગીતસંગ્રહ છાપે છે એનો પણ આનંદ છે.

લખવું ગમે છે, બહુ ગમે છે અને આમ રહેશે ત્યાં સુધી લખાતું પણ રહેશે જ ને ! 

લતા હિરાણી

15.11.24

ઊગ્યું રે અજવાળું (ગીતસંગ્રહ) * લતા હિરાણી * ગુર્જર 2024

*****

મારી વાર્તા આપ નીચેની લિન્ક પર વાંચી શકો છો. આભાર.

10 thoughts on “લતા હિરાણી ~ ઊગ્યું રે અજવાળું (ગીતસંગ્રહ) * વિનોદ જોશી”

  1. લતાબેન,
    “ઊગ્યું રે અજવાળું”ને આવકાર સાથે શુભેચ્છાઓ પાઠવું છું. તમારા કેટલાક છૂટક ગીતો ક્યાંક ક્યાંક અવારનવાર વાંચ્યા છે.પણ સંગ્રહમાં એકસાથે વાંચવાની મજા કૈક ઓર હોય છે.જેમાં એની ખૂબી અને ખામીઓ એકસાથે સભાન વાચક નિહાળી શકે છે.
    પુનઃ ગીત સંગ્રહ માટે ધન્યવાદ.અભિનંદન.
    ~ દિલીપ જોશી

  2. SARYU PARIKH

    લતાબહેન વિશે વધુ જાણી અહોભાવ…ગયા વર્ષે ‘જાહ્ન્વીસ્મૃતિ’ સન્માન સ્વીકારીને મુઠી ઊંચું બનાવ્યું.
    આનંદ સાથ આભાર. સરયૂ.

    1. આભાર અને વંદન સરયૂબેન…. બધી ઈશ્વરની કૃપા છે અને આપનો સ્નેહ….

  3. કવિ શ્રી વિનોદ જોશીનું વક્તવ્ય વાંચ્યું, અને આપનું નિવેદન પણ વાંચ્યું. ખરેખર આનંદ થાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *