રમણીક અગ્રાવત ~ કેવી લીલપભરી આંખે

કાવ્યવિશ્વમાં સ્વાગત છે

કુંવર નારાયણ કુમારજીવ * અનુવાદ રમણીક અગ્રાવત * ગુજરાત સાહિત્ય અકાદમીની આર્થિક સહાયથી પ્રકાશિત 2021

સાહિત્ય અકાદમી દ્વારા કવિ શ્રી રમણીક અગ્રાવતના કુંવર નારાયણ ‘કુમારજીવ’ની કવિતાઓના અનુવાદનું પુસ્તક પુરસ્કૃત થયું છે. કવિને ખૂબ ખૂબ અભિનંદન. 🥀🥀

🥀🥀

*લીલા અક્ષરે લખાતી પૃથ્વી*  

કેવી લીલપભરી આંખે
નિહાળી રહી છે પૃથ્વી
મને તમને સૌને.

પૃથ્વીના દેહ પર
પ્રતિ પળ ફૂટ્યાં કરે લીલી ટશરો
પ્રસરે લીલો લીલો નેહ
અંગેઅંગથી નીતરતો લીલવર્ણો રોમાંચ!

આપણે જોયું છે તે
આપણે જોયું નથી તે
આપણને સમજાયું છે તે
આપણને સમજાયું નથી તે

બધું બધું વળગાડીને છાતીએ
ઘૂમ્યાં કરતી પૃથ્વી
સૂર્યના તેજમાંથી કાલવી કાલવી
અવિરત સારવ્યાં કરે નરવી લીલપ.

સતત વિખેરાતી સૃષ્ટિ વચ્ચોવચ
રોજેરોજ પળેપળ
લીલી આંગળીથી લખાતી રહે પૃથ્વી.

~ રમણીક અગ્રાવત

લીલપભરી આંખ, લીલી ટશરો, લીલવર્ણો રોમાંચ, નરવી લીલપ અને લીલી આંગળીથી લખતી પૃથ્વી…. લીલાશનું સરોવર મનને પણ લીલુંછમ્મ બનાવી જાય છે.  

પર્યાવરણ બચાવોની વાત જુદી રીતે, નવી રીતે અને વ્હાલભરી રીતે કરતી કવિતા. હરીભરી વસુંધરાને પ્રેમ કરતાં શીખીએ તો બીજા પ્રશ્નો આપોઆપ હલ થઈ જાય. 

6 thoughts on “રમણીક અગ્રાવત ~ કેવી લીલપભરી આંખે”

  1. સરસ અનુવાદ આપવા રમણિકભાઈને અભિનંદન.
    ગુજરાતી સાહિત્યના અનુવાદ બીજી ભાષામાં થાય એવી અપેક્ષા..

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *