મુકુન્દરાય પટ્ટણી ‘પારાશર્ય’ ~ હરિ મને કોકિલ બનાવી

🥀🥀

હરિ! મને કોકિલ બનાવી વનમાં મૂકિયો,
વળી તમે વસંત બનીને વિલસ્યા પાસ:
હવે હું મૂંગો કયમ રહું?

હરિ! મને ઝરણ બનાવી ગિરિથી દોડવ્યો,
વળી તમે દરિયો થઈ દીધી દિલે આશ:
હવે હું સૂતો કયમ રહું?

હરિ! મને સુવાસ બનાવી કળિયું ખીલવી,
વળી, તમે પવનો થઈ પ્રસર્યા ચોપાસ:
હવે હું બાંઘ્યો કેમ રહું?

હરિ! મને દીપક પેટાવી દિવેલ પૂરિયાં,
વળી તમે ફરતા ફેલાયા થઈ આકાશ:
હવે હું ઢાંકયો કયમ રહું?

હરિ! મને હુંપદ આપીને પુરુષાર્થી કર્યો,
વળી તમે પરમ પદ થઈ દીધી પ્યાસ:
હવે હું જુદો કયમ રહું?

~ મુકુંદરાય પટ્ટણી ‘પારાશર્ય(13.2.1914 થી 20.5.1985)

3 thoughts on “મુકુન્દરાય પટ્ટણી ‘પારાશર્ય’ ~ હરિ મને કોકિલ બનાવી”

  1. લલિત ત્રિવેદી

    એક એક અંતરો, પ્રત્યેક ગીતનો… કેટલો હેતાળ, કેટલો મરમાળ કેવો તો દિવ્ય મર્માળ . . કવિને શત શત પ્રણામ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *