મોહમ્મદ માંકડ ~ વીસ વરસ ને

🥀🥀

વીસ વરસ ને બાવીસ દિવસે
અથવા અમુક વરસ ને અમુક દિવસે

નવ મહિના ને દસ દિવસ
મારી કૂખમાં મેં એને લોહી આપ્યું.

બે વરસ ને ત્રણ દિવસ
મારા ખોળામાં મેં એને અમૃત પાયું.

છ વરસ ને સાત દિવસ
અંદર-બહારથી મેં એને શણગાર્યા કર્યું.

સોળ વરસ ને સત્તર દિવસ
એના સામે જોયા કર્યું —બસ, જોયા જ કર્યું.

વીસ વરસ ને એકવીસ દિવસ
મારાં બધાં જ સપનાં
એ એક જ સપનામાં મૂકી દીધાં અને—

બાવીસમા દિવસે
એક રેશમી હવા આવી, હસી,
એનો હાથ પકડીને ઉપાડી ગઈ.

અને,
મારી કૂખ, મારો ખોળો, મારી દૃષ્ટિ,
મારાં સપનાં બધું જ ખાલી થઈ ગયું.

અને તોયે
હું તો હસતી રહી, હસતી રહી, હસતી જ રહી.

~ મોહમ્મદ માંકડ (13.2.1928 – 5.11.2022)

વેલેન્ટાઇન વ્હાલી માનું

7 thoughts on “મોહમ્મદ માંકડ ~ વીસ વરસ ને”

  1. મનોહર ત્રિવેદી

    મોહમ્મદભાઈ તો આપણા ગદ્યપુરુષ. એમની કલમમાંથી આવું નમણું અછાંદસ નીપજી આવે એ એમનું નહીં આપણું સદ્ભાગ્ય, લતાબહેન.
    આજે કિશોર બારોટની રચના મૂકી છે તે પણ આસ્વાદ્ય. સુપ્રભાત

  2. હરીશ દાસાણી.મુંબઈ

    મોહમ્મદ માંકડની કવિતાઓ પહેલી વાર વાંચી.ત્રણેય કવિતાઓ ગમી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *