પૂર્વી અપૂર્વ બ્રહ્મભટ્ટ ~ ત્રણ ગઝલ * Purvi Apurv Brhamabhatt

🥀 🥀
કરી વિદ્રોહ સૌ સામે જરા હિંમત બતાવી છે,
મેં ખોવાયેલી મારી જાતને ખુદથી મળાવી છે.
હવે એવી હું પારંગત બની છું આ વિષયમાં પણ,
રીસાયા બાદ મારી જાતને મેં ખુદ મનાવી છે.
શરત સંગાથની પાળી ને આઝાદી મૂકી ગીરવે,
મેં હસતાં મોઢે મારી મરજીથી પાંખો કપાવી છે.
હવે પાછી વળી મારી તરફ ક્યારેય નહી આવે,
તમારી સાથે મારી સૌ ખુશીઓને વળાવી છે.
થયું નિદાન કે આંખોમાં ગાંઠો આંસુની થઈ છે,
કોઈ કારણ પૂછે તો મેં ફક્ત પાંપણ નમાવી છે.
~ પૂર્વી અપૂર્વ બ્રહ્મભટ્ટ
મત્લાના શેરમાં બીજી લાઇન જુઓ. વિદ્રોહ કર્યો છે પણ માત્ર વિરોધ કરવા માટે નહીં. જ્યાં પોતાની જાત ખોવાતી લાગે, સ્વમાન હણાતું લાગે ત્યાં. એટલે ખુદને સ્થાપવાની વાત છે. રિસાયા બાદ ખુદને મનાવવાની વાત પણ આવી જ અનોખી લાગે છે. ત્રીજો શેર એક સ્વતંત્ર શેર તરીકે સરસ થયો છે પરંતુ પ્રથમ શેરના ભાવને વિરોધે છે એટલું નોંધવું પડે.
છેલ્લો શેર, ક્યા બાત કવિ ! ‘આંખમાં આંસુની ગાંઠ’ કલ્પન અદભૂત અદભૂત !
🥀 🥀
સામે મંજીલ હોય ત્યારે થાકવાનો શ્રાપ છે
ને ઉપરથી રાત આખી જાગવાનો શ્રાપ છે
એક તો અંતરમુખી ને ભેટમાં આંસુ મળ્યા
એમાં પાછું આંખે કાજળ આંજવાનો શ્રાપ છે
ફિલસૂફી એ જાણું છું ‘ભૂલો અને આગળ વધો‘
શું કરું આઘાત એક પંપાળવાનો શ્રાપ છે
વજ્રમાં રૂપાંતરિત થઈ જાય ના તો શું કરે?
જેમને ડૂમાં ભીતર ઓગાળવાનો શ્રાપ છે
ના ઉદાસીનું પૂછો કારણ કશું કહી નહિ શકું
લોહી ઝરતાં ઘા બધા સંતાડવાનો શ્રાપ છે
ખોખલા ખંડેર જેવું હોય જીવન એ છતાં
મલમલી ચાદર સદાયે ઓઢવાનો શ્રાપ છે
હા બધા જીરવાઈ ગ્યા પણ શ્રાપ આ ભારે પડ્યો
સાથ છૂટી ગ્યા પછી જે જીવવાનો શ્રાપ છે
~ પૂર્વી અપૂર્વ બ્રહ્મભટ્ટ
🥀 🥀
સૂર્યને આ વાતનો લાગ્યો ઘણો આઘાત છે,
એક દીવાથી થઈ ઝગમગ તમસની રાત છે.
તારા વિશે એટલું બસ કહી શકું કે તું મને-
ઈશ્વરે આપેલી સૌથી કિંમતી સોગાત છે.
પગ ભલે ગૂંચાયા પણ પાંખો સલામત છે હજુ,
જાળ લઈને ઉડવાની આપણી તાકાત છે.
જિંદગી હદપાર હંફાવે છતાં પણ ચાહશું,
છો અમારે વીંધવાના રોજ કોઠા સાત છે.
કોઈના આંસુ,નિ:સાસા,હાયથી ઝોળી ન ભર,
જાણ છે ને! છેલ્લે ઈશ્વર સાથે મુલાકાત છે.
~ પૂર્વી અપૂર્વ બ્રહ્મભટ્ટ
ત્રણેય ગઝલ સંવેદનશીલ અને અર્થસભર છે.
ખૂબ સરસ.
બધી રચનાઓ ગમી છે …પહેલી રચના અંગેની આપની ટકોર proffesional છે
રચનાઓ ભાવ /વિચારને સરસ અભિવક્ત કરે છે..
બધી રચનાઓ ખુબ સરસ ખુબ ગમી
વાહ, વાહ, બધીજ ગઝલો ખૂબ જ સરસ, વેદનામાં ય ખુદ્દારી સાચવી છે.