ધ્રુવ ભટ્ટ ~ ઓચિંતુ કોઇ મને * દેવિકા ધ્રુવ

🥀🥀 

ઓચિંતુ કોઇ મને રસ્તે મળે ને
કદી ધીરેથી પૂછે કે કેમ છે ?
આપણે તો કહીએ કે દરિયા શી મોજમાં
ને ઉપરથી કુદરતની રહેમ છે.

ફાટેલા ખિસ્સાની આડમાં મૂકી છે અમે
છલકાતી મલકાતી મોજ;
એકલો ઊભું ને તોયે મેળામાં હોઉં એવું
લાગ્યા કરે છે મને રોજ,
તાળું વસાય નહીં એવડી પટારીમાં
આપણો ખજાનો હેમખેમ છે….

આંખોમાં પાણી તો આવે ને જાય
નથી ભીતર ભીનાશ થતી ઓછી;
વધઘટનો કાંઠાઓ રાખે હિસાબ
નથી પરવા સમંદરને હોતી,
સૂરજ તો ઊગે ને આથમી યે જાય
મારી ઉપર આકાશ એમનેમ છે….

~ ધ્રુવ ભટ્ટ

🥀🥀 

આસ્વાદ : દેવિકા ધ્રુવ

અતિશય મૃદુતાથી ઓચિંતું કોઇ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કે કેમ છે?’ દ્વારા શરૂ થયેલો કાવ્યનો ઉઘાડ તેના અંત સુધી  કોમળ કોમળ સંવેદનાઓથી છલછલ છે. દરિયા શી મોજ દ્વારા ભીતરનો ખળભળાટ અને ભરતી ઓટ ગોપાયાં છે. પણ કેટલી સાહજિકતાથી! કુદરતની રહેમ કહી નિયતિનો સ્વાભાવિક સ્વીકાર અને તે પણ ખુશી ખુશી!

આગળના અંતરાઓમાં ફાટેલા  ખિસ્સાં અને એકલો ઊભું તો ય  અજંપાનો  અને એકલતાનો અછડતો અણસાર આપી કેવાં મસ્તીથી જણાવે છેઃ  એકલો ઊભું ને તોયે મેળામાં હોઉં એવું લાગ્યા કરે છે મને રોજમુફલિસી અને ખુમારી સાથોસાથ સ્પર્શે છે. એટલું જ નહિ, ભરચક ખજાનાનું ઉભું થતું ચિત્ર તો જુઓ!
તાળું વસાય નહીં એવડી પટારીમાં આપણો ખજાનો હેમખેમ છે….

છેલ્લા  અંતરામાં અદભૂત કવિકર્મ નીખરી રહ્યું છે. વિષયના ક્રમિક વિકાસ સાથે ઉભરી આવતી સંવેદનાઓને સંતાડી એની ઉપર આત્મવિશ્વાસ અને શ્રધ્ધાનું મસમોટું કમ્ફર્ટર ખૂબ ખૂબીથી ઓઢાડ્યું છે.

આંખોમાં પાણી તો આવે ને જાય, નથી ભીતર ભીનાશ થતી ઓછી; / વધઘટનો કાંઠાઓ રાખે હિસાબ,  નથી પરવા સમંદરને હોતી..

વાહ..મનની સમજણની  કેવી વિશાળતા? શબ્દે શબ્દ અર્થપૂર્ણ છે અને કોઈ શબ્દ ક્યાંય ઓછો/વધારે થાય તેમ નથી. તેમાંથી દરિયા અને કાંઠાનું એક ચિત્ર ઉભું થાય છે અને તેનો લય પણ ધીરેથી વહેતા મોજાંઓ જેવો.

સૂરજ તો ઊગે ને આથમી યે જાય / મારી ઉપર આકાશ એમનેમ છે….

કેવી બિન્દાસ મસ્તી છે અહીં !  વારંવાર વાંચવાનું મન થાય, કોઈને વંચાવવાનો ઉમળકો થાય અને મૌનપણે ગણગણતા જ રહેવાય એવી આ કવિતા છે. કાવ્યત્વની ટોચ છે, આનંદની ચરમ સીમા છે. 

સાદ્યંત સુંદર આ ગીતમાં જીંદગીની ફિલસૂફી છે. સુંદર રૂપકો, સરળતાથી વહેતો લય, વર્ણાનુપ્રાસની મધુરતા, ભાવોની મૃદુતા, ચિત્રાત્મક્તા અને ફકીરી અનન્ય છે. આ ગીત સ્વરબધ્ધ થઈ ગવાયું પણ છે. ફિકરને ફાકી કરી ફરતા ફકીર જેવી આ લયબધ્ધ શાબ્દિક અદાને, કવિકર્મને સલામ.

6 Responses

  1. Kirtichandra Shah says:

    આ કવિતા અને.આપનો આસ્વાદ: કોને વખાણુ ને કોને પાય.લાગું !. કવિશ્રીને એમની ધારાવાહિક અકુપાર માટે યાદ કરું છું

  2. વાહ કેટલી ઉત્તમ રચના અને આસ્વાદ પણ એટલોજ ઉત્તમ વંદન અભિનંદન કાવ્ય વિશ્વ

  3. મારું ખૂબ ગમતું ગીત, આસ્વાદ ખૂબ સરસ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: