જગન્નાથ દામોદરદાસ ત્રિપાઠી ‘સાગર’ ~ મળી પ્રિય પત્રિકા * Jagannath Tripathi
🥀🥀
મળી પ્રિય પત્રિકા તારી, થયો સંતુષ્ટ વાંચીને;
વળી ખેદિત પણ કીધો, રસિક! તુજ સાહસિક તર્કે.
જગતમાં પ્રેમને લીધે, અતિશય દુઃખ દેખીને,
હૃદયથી પ્રેમને તજવા, તને ઈચ્છા થઈ, પ્યારા!
“વિરક્તિમાં જ શાન્તિ છે”, તને સિદ્ધાન્ત એ સૂજ્યો;
મગજની જોઈ નિર્બલતા, દયા, દુઃખ થાય મુજ મનને.
રહ્યો છે ધર્મ જે મનમાં, થવું અનુરક્ત પ્રિય દેખી;
નિવારી તું શકે તેને? મને વિશ્વાસ ક્યમ આવે?
નથી આધીન એ તારે, સ્વયંભૂ પ્રેમ અન્તરનો;
તજ્યાથી તે તજાશે ના, નહીં રોક્યા થકી રે’શે.
વિના હેતુ પ્રકટિયો તે જશે શું કોઈ કારણથી?
લીધેા શું મૂલ્ય આપીને? થયો છે શું જવા માટે?
જગતનાં ભૂત–પ્રાણીમાં થયો છે જન્મની સાથે,
વિના મૃત્યુ જવાનો એ?! ભૂલે શું સુજ્ઞ થઇ, ભ્રાત!
નહીં અનુરક્તિ જે દિલમાં, વદે છે કો પશુ તેને;
પશુ પણ પ્રેમનાં ભોગી, મનુજ તો કેમ નવ થાયે?
થશે તું જો કદી યોગી, પ્રભુનો ભક્ત વનવાસી,
કૃતિ કર્તા તણી જોતાં તને શું પ્રેમ નહિ થાયે?
વસ્યો જે કાષ્ઠમાં વહ્નિ, જશે તે કાષ્ઠના દાહે,
તથા મન–પ્રેમ માનવનો જશે આ દેહ પડવાથી!
કદાપિ બા’રના પ્રેમે નથી જો રાચવાનો તું-
દિલે ભવતુ! પરંતુ હા!! હૃદયનો પ્રેમ ક્યાં જાશે?
“સદા વશ રાખવું મનને”, દિસે લોકોક્તિ એ સાચી;
તજાવી પ્રેમ, ને નિજ ધર્મહીન મનને કયો કરશે?
વિમળ મન હોય તો વૃત્તિ વિષયની વાસના નવ લે;
પરંતુ પ્રેમ મન માંહે ન પ્રકટે, કેમ એ બનશે?
“વિરક્તિ” શબ્દની વ્યાખ્યા નથી તુજ ધ્યાનમાં આવી;
જગતમાં જન્મ ધારીને વિના મૃત્યુ વિરક્તિ ક્યાં?
હવે જો દીર્ધ દ્રષ્ટિથી, હૃદયમાં અર્થ સમજીને;
“વિરક્તિમાં જ છે શાન્તિ”, થયું એ સત્ય સર્વાંશે!
ન આવે દેહનાં કૃત્યે, કદી પણ પ્રેમનો છેડો;
રહે છે પ્રેમ પરિણામે, દિસે ફલ–બીજ તે તે તે!!
અહો! મૃત–પ્રેમી પ્રાણી તે, સજીવન હોય શી રીતે?
પ્રભુપદ માંહિ પણ પ્રીતિ ન પ્રકટે તા ન પ્રાણી તે!
થશે જો ધર્મહીન સવિતા, નહિ તો દ્રષ્ટિએ આવે;
જગત આ પ્રેમહીન કરતાં જરૂર જડ રૂપ તે થાશે.
હવે એ પ્રેમને તજવા પુન : બોલીશ નહિ, બન્ધુ!
પ્રથમની ભૂલ આ તારી જગત ક્ષંતવ્ય માને છે!!
~ જગન્નાથ દામોદરદાસ ત્રિપાઠી ‘સાગર’ (7.2.1883 – 17.8.1936)
🙏🏻કાવ્ય સૌજન્ય : રેખ્તા 🙏🏻
સ્મ્રુતિવંદન પ્રણામ
વાહ, આ પ્રલંબ કાવ્ય અનોખું છે.