બેન્યાઝ ધ્રોલવી ~ બે ગઝલ * Benyaz Dhrolvi

🥀🥀
ફૂલમાં થોડી જગા લીધી અમે,
મ્હેકને પીવી હતી, પીધી અમે.
દૃશ્યની ભરચક નજાકતને ભરી
આંખમાં આંજી હવા લીલી અમે.
ચિત્રનો ઉઠાવ સુંદર લાગશે,
રંગમાં ડૂબ્યાં તમે, પીંછી અમે.
પ્રેમપત્રોની હવેલી ખોલ મા,
બારીમાં ફેંકી હતી ચીઠી અમે.
શબ્દની ખલકત પડી છે ચોતરફ,
જ્યાં ગયા ત્યાં-ત્યાં ગઝલ દીઠી અમે.
– બેન્યાઝ ધ્રોલવી (6.2.1947 – 20.4.2021)
🥀🥀
શબ્દ મક્કા, શબ્દ કાશી છે, સમજ,
ધર્મની ઊંચી અગાસી છે, સમજ.
આંસુનું મેવાડ લૂછી પોપચે,
એક મીરાંની ઉદાસી છે, સમજ.
ગોમતીની જેમ ભટકી કલ્પના,
એક શાયરની તલાશી છે, સમજ.
આજ ગંગાની અદાલતમાં ઊભા,
પાપને ધોતા પ્રવાસી છે, સમજ.
~ ‘બ્રેન્યાઝ’ ધ્રોલવી (6.2.1947 – 20.4.2021)
મૂળ નામ અબ્દુલ ગફાર કાઝી.
કાવ્યસંગ્રહ ‘સૂર્યનો દસ્તાવેજ’
વાહ
સ્મૃતિ વંદન. બંને ગઝલો ખૂબ સરસ.
બન્ને રચનાઓ ખુબ સરસ ખુબ ગમી સ્મ્રુતિવંદન