કિશોર જિકાદરા ~ ચાર કાવ્ય * Kishor Jikadara

🥀 🥀
તેં સીવેલા સંબંધોને આજે પણ પહેરું છું વટથી,
દિલ દઈને લીધેલા ટાંકા એમ નથી કૈં તૂટતા ઝટથી.
આવી રીતે ધોળે દિવસે પડછાયો થૈ સાથે ના ફર,
ઈર્ષ્યા થાશે સૂરજને પણ, તારી મારી આ ઘરવટથી.
સઘળી વાતે સુખ છે કિન્તુ, નાની સરખી મુશ્કેલી છે,
ઘર છે મારું આ કાંઠે ને પ્રીત કરી છે સામા તટથી.
કૂવાકાંઠો પડખે છે પણ બેડું તોય રહ્યું છે ખાલી,
લેણાદેણી ક્યાં છે મારે એક ટકો પણ આ પનઘટથી?
અટકાવું તો ખિન્ન થશે ને ધમકાવું તો ઓર વટકશે,
કામ ખરેખર લેવું પડશે ઇચ્છા સાથે સમજાવટથી.
તારી જેમ નથી વેડફતો, ગમ્મે ત્યારે માગી જોજે,
આંસુના પ્રત્યેક ટીપાંનો, રાખું છું હિસાબ ચીવટથી.
વરસાદી ત્રમઝટમાં કેવો કોરોકટ્ટ રહ્યો છું આજે?
પૂરેપૂરો પલળી ગ્યો’તો, તે દિવસે ઝીણી વાછટથી.
ડાળી પરથી પાન ખર્યું તો એનો શો અફસોસ કરું હું,
ફૂટવાની છે કૂંપળ પાછીએ, એજ જગ્યાએ કાલ ઊલટથી.
જ્યારે ત્યારે તરભેટા પર લાવીને એ છોડી દે છે,
ઈશ્વરથી બહુ દૂર થયો છું, ઈશ્વરની આવી ખટપટથી.
~ કિશોર જીકાદરા
‘સીવેલા સંબંધો’ પ્રયોગ આ શબ્દો માટેનો એક જાણીતી સમજથી જુદી જ વાત કરે છે. અને એટલે પહેલો શેર ખેંચી જાય છે આખી રચના તરફ. તો ‘વટ’ અને ‘ઝટ’ પ્રાસ તો ખરા જ પણ બંને મળીને એક જુદો જ મિજાજ પ્રગટાવે છે અને એમ શેર વધુ સફળ બને છે. પ્રિયની યાદ સતત સાથે રહે છે એના માટેની ઇમેજ પણ નવતર અને પ્રસન્નકર મળે છે. નદીના બે કાંઠા જેવી જિંદગી માટે કવિ જ ‘સઘળી વાતે સુખ’ કહી શકે.
એવો જ દમદાર આ શેર, અટકાવું તો ખિન્ન થશે ને ધમકાવું તો ઓર વટકશે / કામ ખરેખર લેવું પડશે ઇચ્છા સાથે સમજાવટથી.
અને કવિની ખુદ્દારી જુઓ ને ! ‘તારી જેમ નથી વેડફતો, ગમ્મે ત્યારે માગી જોજે / આંસુના પ્રત્યેક ટીપાંનો, રાખું છું હિસાબ ચીવટથી.’ એવો જ અફલાતૂન શેર – ‘વરસાદી ત્રમઝટમાં કેવો કોરોકટ્ટ રહ્યો છું આજે? પૂરેપૂરો પલળી ગ્યો’તો, તે દિવસે ઝીણી વાછટથી’ વાહ કવિ !
જીવનમાં અફસોસને સ્થાન નથી. જે થયું તે થયું. નવી કાલ ઊગવાની જ છે. આ ફિલોસોફી જીવનને લાગુ પડે જ પણ અહીંયા પ્રિય પાત્ર માટે જ મંડાણ થયા છે અને એ દિશામાં જ વાત જતી હોવાનું અનુભવી શકાય છે. એ જ સ્વમાનીપણું છેલ્લા શેરમાં. આમ આખીયે ગઝલ જાણે સીધી એક ધારે ઊતરી આવી છે અને એમ જ ભાવકના હૈયામાં……
🥀 🥀
સાદ કરું તો કામ બધાં છોડીને આવે,
પડઘો મારા સરનામે દોડીને આવે !
પ્હેલી નજરે પોપટ એ પરદેશી લાગે,
બચકારો તો સરહદ એ તોડીને આવે !
તોરતરીકા અસ્સલ એના તારા જેવા,
ખુદને મળવા દર્પણ એ ફોડીને આવે !
પૂરેપૂરો માવડિયો લાગે છે અમને,
હડસેલું તો પડછાયો ચોંટીને આવે !
ચોમાસાની લાજશરમ નડતી લાગે છે,
નૈ તો સૂરજ વાદળ કાં ઓઢીને આવે ?
છેદ કરું હું દરિયામાં તો દરિયો ડૂબે,
સપનું આવું નાનકડી હોડીને આવે !
~ કિશોર જીકાદરા
એક એક શેર અફલાતૂન.
🥀 🥀
કેટલાં વરસો અમે ખર્ચ્યાં હતાં એ દોરતાં,
ના વિચાર્યું સ્વપ્નનગરી પગતળે ધમરોળતાં?
હોય દોરામાં પડેલી કે પછી હો મન મહીં,
હર કિસમની ગ્રંથિઓ અઘરી પડે છે છોડતાં.
એટલો રીઢો હજી ન્હોતો થયો હું, યાદ છે?
તેં મને ઝડપી લીધો’તો ઊંઘ તારી ચોરતાં.
ક્યાંક આઘે કાચ તૂટે તોય ફફડું છું અહીં,
થાય છે ખટકો મને તો ફૂલ સુદ્ધાં તોડતાં.
અબઘડી બેલિફ આવી રૂબરૂ બજવી ગયો,
હાથ બહુ ધ્રૂજ્યો હતો પરબીડિયું એ ફોડતાં.
~ કિશોર જિકાદરા
🥀 🥀
મ્હેલ ચણું કે ગૂંથું જાળું, મારી મરજી,
જાળાને પણ મારું તાળું, મારી મરજી.
મારા મનનો રાજા છું, હું કંઈ પણ પ્હેરું,
મોતી પ્હેરું કે પરવાળું, મારી મરજી.
પોપટબોપટ હું ના પાળું મારા ઘરમાં,
ચાતક, મોર, બપૈયો પાળું, મારી મરજી.
પૂનમનું અજવાળું પી લઉં સીધેસીધું,
બે ગળણે હું તડકો ગાળું, મારી મરજી.
પગ તો દોસ્તો, મારો એમાં પડવાનો છે,
ચોરસ દોરું કે કૂંડાળું, મારી મરજી.
શા માટે હું હરવખતે ભૈ હાથ જ બાળું,
ચાહું ત્યારે હૈયું બાળું, મારી મરજી.
લોહીમાં કાજલને ઘૂંટું કોક વખત હું,
કોક વખત કંકુ ઓગાળું, મારી મરજી.
~ કિશોર જિકાદરા
વાહહહહહ..્
વાહ બધીજ રચનાઓ ખુબ સરસ
સરસ રચનાઓ 👌👌
સરસ ગઝલો. લતાબેન નોંધ પણ સરસ મુકે છે.
aઆભાર હરીશભાઈ.
વાહ, મસ્ત ગઝલોનું ચયન. કવિની ગઝલો માટે સરસ આસ્વાદકીય નોંધ.
આભાર મેવાડાજી
વરસાદી ત્રમઝટમાં કેવો કોરોકટ્ટ રહ્યો છું આજે?
પૂરેપૂરો પલળી ગ્યો’તો, તે દિવસે ઝીણી વાછટથી.
સરસ રચનાઓ.