🥀🥀
દરિયાને તુચ્છ કહેવા તળિયા સુધી જવું છે
અથવા કોઈ સુખીના નળિયા સુધી જવું છે
સંસારના ભ્રમણની શી છે જરૂર મારે
હું તો પ્રવાસી ઘરનો, ફળિયા સુધી જવું છે
પહોંચીને થડની ટોચે પસ્તાયો છું હું અનહદ
વીતેલ યુગને મળવા મૂળિયાં સુધી જવું છે
એ જન્મટીપનો કેદી પોતે નવલકથા છે
એના હૃદયના બારીક સળિયા સુધી જવું છે
ત્યાં ચેન છે ? મજા છે ? ઉષ્મા છે ? જાણવાને
તારા અકળ નયનના તળિયા સુધી જવું છે
~ એસ. એસ. રાહી (28.12.1952)
🥀જન્મદિનના વંદન અભિનંદન રાહીસાહેબ….🥀

મિત્ર કવિ રાહીને જન્મદિવસ પર ખૂબ ખૂબ અભિનંદન તથા સ્નેહપૂર્ણ શુભેચ્છાઓ. તેમની કવિતાઓ તથા વ્યકિતત્વ સૌમ્ય સુંદર છે.
જન્મ દિવસની શુભેચ્છા પાઠવું છું.
આદરણીય કવિ ને જન્મ દિવસ ની હાર્દિક શુભેચ્છાઓ. એમની સાંગોપાંગ ગઝલો માણવા મળી.
હુંતો કમાનમાં ફસાયેલ તીર છું ……ખૂબ ધન્યવાદ