*રામભરોસે*
ઊંડી ખીણો ઊંચા ડુંગર ચડવાનું છે રામભરોસે ;
જીવ્યા જેવું જીવતર છે ને મરવાનું છે રામભરોસે.
ક્યાં હોડી ને ક્યાં હલ્લેસાં ક્યાં છે શઢ ને ક્યાં બેલીડા;
પથ્થર જેવી જાત લઈને ફરવાનું છે રામભરોસે.
જંગલની લીલાશ બનું યા પંખીની ઊડ્ડાન ભલે;
પાન બનું કે પીચ્છું મારું ખરવાનું છે રામભરોસે.
કાણી કોડી ફાટલ જૂત્તા તરસી આંખો લાંબા રસ્તા;
યાદોનો લઈ એક ખજાનો ફરવાનું છે રામભરોસે.
હું છું સપનું કે જોનારો હું પ્યાદું કે હું રમનારો;
તર્કવિતર્ક બધા છોડી દઈ રમવાનું છે રામભરોસે.
~ મધુમતી મહેતા
‘રામભરોસે’ રદ્દીફ લઈને આવતી આ ગઝલ નસીબને, કિસ્મતને સમર્પિત છે. અલબત્ત, સપનાં જોવાં કે પહાડો ખૂંદવા માટે આત્મબળ, સાહસ અને મક્કમ નિર્ધાર જોઈએ. અને માનવ બનીને પ્રયત્નથી ન છૂટી શકાય. હા, પરિણામ અંતે ઉપરવાળાને હવાલે – એટલું ખરું. એટલે જ કહ્યું છે ને ‘કર્મ કિયે જા, ફલ કી ઇચ્છા મત કર તું ઇન્સાન !’
ઈશ્વર પર બધું છોડી દેવાનું એ ઉમદા ગુણ છે પણ આ ગઝલ થોડો નિરાશાનો સૂર લાવે છે. આવું મને લાગે છે, તમને શું લાગે છે?

મધુમતી મહેતાની રચનાવો આસ્વાદ્ય.. અભિનંદન.
મધુમતી મહેતાની રચનાઓ આસ્વાદ્ય.. અભિનંદન.
વાહ, જિવનને જૂદા જૂદા સંદર્ભે જોવાની વાત લઈને આવતી આ ગઝલો ખૂબ જ અર્થ સભર અને માનનિય છે.
બધી ગઝલોમાં એક આગવાપણું છે અને એનાં જ કારણે ભાવકોને એમાં પોતાપણું સહજપણે અનુભવાય છે. આમેય હું મધુમતી બહેનની કલમની મોટી ચાહક છું.
વૈવિધ્ય સભર સરસ ગઝલો