લતા હિરાણી ~ જીવને છૂટ્ટો મેલો

🥀 🥀

જીવને છૂટ્ટો મેલો
બાંધી રાખ્યો કાં આખોયે જનમ અજંપાનો થેલો ?
ભૈ જીવને છૂટ્ટો મેલો…

એકમેકની અડખેપડખે, પંથ અને પગલાંની પેઠે
ગાયું ના ગરવું ગાણું, ફરક્યું ના ટહુકાટાણું
ગૂંચો હવે ઉકેલો,
ભૈ જીવને છૂટ્ટો મેલો

પરપોટા ઊંચકીને ચાલ્યા, અમથા અમથા થયાં સવાયા
રોકેલા મૂંઝારા ફરતે, ચણી દીધા પાક્કાં અંધારા
ઊઘડે ક્યાંથી ડેલો? ભૈ જીવને છૂટ્ટો મેલો

આજ નહીં તો કાલે આવે, ખરવાનું તો સૌને ફાળે
આવરદા ના કોઈ જાણે, સાંજ પડે હાંફે ને ભાળે 
પગની નીચે રેલો…
ભૈ જીવને છૂટ્ટો મેલો

~ લતા હિરાણી

શબ્દસર @ નવેમ્બર 2024

9 thoughts on “લતા હિરાણી ~ જીવને છૂટ્ટો મેલો”

  1. ખૂબ જ સરસ ગીત. જિવન ને સરળતાથી જીવી જવાનો માર્મિક રસ્તો બતાવ્યો છે. અભિનંદન લતાજી.

  2. સરસ રચના,
    રોકેલા મૂંઝારા ફરતે, ચણી દીધા પાક્કાં અંધારા
    ઊઘડે ક્યાંથી ડેલો? ભૈ જીવને છૂટ્ટો મેલો…વિશેષ ગમી.

  3. આભાર સરયુબેન મેવાડાજી મીનલબેન
    લતા હિરાણી

  4. હરીશ દાસાણી.મુંબઈ

    જીવને તો છૂટ્ટો જ રાખેલ છે પણ એને જાતે જ બંધાવું ગમે છે.

  5. કિશોર બારોટ

    રમતીયાળ શૈલીમાં ગહન તત્વજ્ઞાનનું ઉમદા આકલન.
    ગીત બહુજ ગમ્યું. અભિનંદન. 🌹

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *