સંજુ વાળા ~ પાંચ કાવ્યો * Sanju Vala
🥀 🥀
*નકાર કોઈનો*
વિવેકસર નકાર પણ કરી શકાય કોઈનો
બહુ સરળ રીતેય થઈ શકે ઉપાય કોઈનો
સહજપણે જ બેઉં હાથ, હાથમાં ગ્રહી અને
ખરે વખત મળ્યાંનો પાડ વ્યક્ત થાય કોઈનો
સજી-ધજી એ નીકળે ને લાખ વાનાં છો કરે
હો કોઈનો વિકાસ ચિત્ત, માત્ર કાય કોઈનો
તું તારા કારણે જ અધવચાળ આખડ્યો છે દોસ્ત!
જમીને પગ નથી, ન હાથ છે જરાય કોઈનો
સ્વયંના અંધકારને સ્વયંભૂ જીરવી જવાય
ન આપણાથી દીવડો કદી ઠરાય કોઈનો
જે આરપાર નીરખે એ દૃષ્ટિને હજો સલામ
ને દૃશ્ય એ મળો કે જીવ ના ધરાય કોઈનો
હો ભ્રમ ઉછેરવાનો શોખ એ ભલે ભ્રમિત રહે
છે સૌને જાણ કે નથી જ કોઈ રાય કોઈનો
~ સંજુ વાળા
‘કોઈનો’ રદ્દીફ લઈને આવતી આ ગઝલ વિષયને જોઈએ તો સરળ રીતે જીવવાના કેટકેટલા રસ્તા બતાવે છે !
‘ના’ પાડવાની નબળાઈ ઘણામાં હોય ત્યારે ‘વિવેકસર’ની ફૂટપટ્ટી કહેનાર પકડે અને ‘આમન્યા’ની સમજ સાંભળનાર દાખવે તો રસ્તો સરળ ને સાફ….
એવી સરસ વાત આભાર માનવાની ! ડગલે ને પગલે ‘થેંક્યું’ કે ‘થેંક્સ’ ફેંકનાર, એકપણ શબ્દ વગર પ્રેમથી કોઈના બે હાથ પકડી આભારવશ નજરની કિંમત ક્યાંથી સમજે ?
અને વાહ કહેવું જ પડે ને આના માટે ! – ‘સ્વયંના અંધકારને સ્વયંભૂ જીરવી જવાય, ન આપણાથી દીવડો કદી ઠરાય કોઈનો’
🥀 🥀
રસ્તો નથી તો કર નવી કેડી અને ચાલી નીકળ
પગપાળા તારી જાતને તેડી અને ચાલી નીકળ
જાળાં નકામા ઝાંખરા ખેડી અને ચાલી નીકળ
સંબંધ ‘ને શાખા બધું વેડી અને ચાલી નીકળ
સામે પવન તું ડગલું ભરશે ત્યાં જ લેશે ઊંચકી
લે, તોડ લખ ચોર્યાસીની બેડી અને ચાલી નીકળ
બીજી પળે આકાશ એની મ્હેકથી છલકી ઊઠે
તું રાગિણી એ લાક્ષણિક છેડી અને ચાલી નીકળ
પથ્થરમાં પણ સંવેદનાઓ ગીત તારું સ્થાપશે
અણફળ રહેલાં ઝાડ ઝંઝેડી અને ચાલી નીકળ
સમધર્મી સાથે ચાલતા નિજમાર્ગ સંભાળી રહે
એવી અડીખમ શોધી લે હેડી અને ચાલી નીકળ
સક્ષમ ચડી શકવા ન હો, હા ઝાલ એની આંગળી
પ્હોંચે પછી છોડી દે એ મેડી અને ચાલી નીકળ
~ સંજુ વાળા
ચાલી નીકળવાની વાત ખરેખર નીકળી પાડવા પ્રેરે એટલી સચોટ અને જીવંત.
‘પગપાળા’ એટલે જાતને તેડી લેવાની વાત! વાહ કવિ
ભાવકને લખ ચોર્યાસીની બેડી તોડવા સુધી પણ કવિ પહોંચાડે છે.
હિંમત ઓછી પડે તો આંગળી ઝાલવાની છૂટ પણ પછી છોડી દેવાની શરતે ! યે બાત !
🥀 🥀
દૃશ્યની ઠેસ વાગી? હે આંખો!
તો જગતને જરા ઝીણું ઝાંખો!
ચાખવું હોય તો અમી ચાખો!
અન્ય રસમાં વળી શું રસ દાખો?
ડાળે બેઠાં જ નહિ, તેં ઉડાડ્યાં,
આટલેથી હવે તો બસ રાખો.
એની મરજી હશે તો ઊઘડશે,
એમ સમજીને બારણાં વાખો.
ના મળ્યું આભ, ના મળ્યું ઊડવું;
ભાર વેંઢારવા મળી પાંખો?
એક ખાલી, તો છે સભર બીજો;
છે જીવન-દેરડીમાં ઘટ લાખો.
~ સંજુ વાળા
મત્લાનો શેર જ કેટલો બારીક ! જરા ઝીણેરા પંથે લઈ જતી ગઝલ.
🥀 🥀
ગરબડ ‘ને ગોટાળામાંથી બહાર નીકળવું ભૂલી ગયો છે
માણસ ધોળા-કાળામાંથી બહાર નીકળવું ભૂલી ગયો છે
ગલી-ગલીનું બચ્ચેબચ્ચું પોપટ પોપટ કહી પજવે છે
કોઇ બિચારો માળામાંથી બ્હાર નીકળવું ભૂલી ગયો છે
ઘરથી મંદિર, મંદિરથી ઘર; સર્કિટ જેવું જીવ્યા કરે છે
એ માણસ કુંડાળામાંથી બહાર નીકળવું ભૂલી ગયો છે
રાતું–પીળું ગાતા એક ફકીરનું નિદાન થયું કે –
ગુલમ્હોર–ગરમાળામાંથી બહાર નીકળવું ભૂલી ગયો છે
જોશી-જાદૂગરના ચરણે પરખ-પાસવર્ડ શોધે છે, એ-
ભીતર ભીડ્યા તાળામાંથી બહાર નીકળવું ભૂલી ગયો છે
નથી જવાતું ઉપર કે ના પાછો નીચે ફરી શકે છે
વિકટ કોઇ વચગાળામાંથી બહાર નીકળવું ભૂલી ગયો છે
પદ-પ્રતિષ્ઠા, જ્ઞાન-ગરથના સામે પલ્લે ગઝલ મૂકી, તું
સમજણ નામે શાળામાંથી બહાર નીકળવું ભૂલી ગયો છે
ખબરદાર, આ ચેતવણી છે : સ્હેજે ના અનુસરશો એને
સંજુ, સંજુ વાળામાંથી બહાર નીકળવું ભૂલી ગયો છે
~ સંજુ વાળા
ભાષાભભક તો ધ્યાનપાત્ર છે જ, વધુ ગમે એવો છે આ ગઝલમાં રહેલો કટાક્ષ ! પોતે જ ઊભા કરેલા ગૂંચવાડા છોડે નહીં ત્યાં સુધી સરળ રસ્તા સરળતાથી ખોવાયેલા રહેવાના !
🥀 🥀
રોજ ઝઘડવું, છુટ્ટું પડવું, રડવું, પાછું મળવું,
આ તે કેવું દળણું જેને રોજ ઊઠીને દળવું
કહેવું ને સાંભળવું યાને
બેઉં સમાન્તર પાટા,
બન્ને વચ્ચે ઊગે ઓગળે
સૂસવાટા સન્નાટા.
એ ય ખરું કે દિવસે-રાતે વધવું બળવું ઝળવું
આ તે કેવું દળણું જેને રોજ ઊઠીને દળવું
હું કહું : આ આવું, ત્યારે
તું કહે : ના તેવું
તાણીતૂંસી તાલ મેળવ્યે
સોરાવું ને સ્હેવું
વળી વાતમાં વળાંક આવે લઈ ગાતરનું ગળવું.
રોજ ઝઘડવું, છુટ્ટું પડવું, રડવું, પાછું મળવું
~ સંજુ વાળા
એકબીજાથી થાકી જવાય એટલો સહવાસ ન હજો !
***
ટેકનીકલ પ્રોબ્લેમ હોવાને કારણે આ સાઇટ તા.23 થી 28 અપડેટ નથી કરી શકાઈ. ક્ષમા.
દરેક પંકિત પર આફરીન થઈ જવાય એવી કવિતાઓ
ધન્યવાદ
ફરી ધન્યવાદ
આનંદ આનંદ સંજુભાઈ.
વાહ વાહ ને વાહ જ
કવિ શ્રી સંજુ વાળાની ઉત્તમ કૃતિઓ માણવા મળી એનો ખૂબ આનંદ.
ખૂબ ખૂબ આભાર મિત્રો
બધી રચનાઓ સરસ!
કવિ શ્રી સંજુ જીની સુંદર ગઝલો, ગીત.
બધીજ રચનાઓ ખુબ સરસ ખુબ ગમી
કાંઇ ઘટે નહીં…અદ ભુત…!