દીપક બારડોલીકર ~ કદી સાંજે, સવારે * Dipak Bardolikar
🥀 🥀
*મોર પીધો*
કદી સાંજે, સવારે, નશામાં ચૂર બેઠા
કદી બળતી બપોરે, અમે ગુલમોર પીધો
કદી શેરીમાં ‘દીપક’ જમાવી બેઠા મ્હેફિલ
કદી ખેતરને ખોળે, અમે ગુલમોર પીધો
નિમંત્રણ રાતું રાતું હતું મ્હોરેલ ‘દીપક’
મગન, મસ્તીના તોરે, અમે ગુલમોર પીધો
~ દીપક બારડોલીકર (23.11.1925 – 12.12.2019)
🥀 🥀
અલગ અમ જિંદગીથી આપને ગણતા નથી હોતા!
નદીને અવગણે એવા કોઈ દરિયા નથી હોતા!
નથી હોતી વસંતોની છબીમાં લ્હાણ સૌરભની;
હકીકત જેટલા સધ્ધર કદી નક્શા નથી હોતા!
નવાઈ શું, વિચારો જો બધાના હોય ના સરખા!
તરંગો પણ બધી નદીઓ તણા સરખા નથી હોતા!
કોઈ એવું નથી જેના જીવનમાં હોય ના ખામી;
કોઈ એવા નથી રસ્તા કે જ્યાં ખાડા નથી હોતા!
સમજપૂર્વક બધીયે ચીજની અહીંયાં સમીક્ષા કર;
નિહાળે છે જે દુનિયામાં, બધાં સ્વપ્નાં નથી હોતા!
અસરથી હોય છે વાતાવરણની મુક્ત એ ‘દીપક’,
મહોબતનાં ગુલાબો લેશ કરમાતાં નથી હોતાં!
~ દીપક બારડોલીકર (23.11.1925 – 12.12.2019)
🥀 🥀
એ નગર, એ મકાન ભૂલી જા
જેશની દાસતાન ભૂલી જા
ક્યાં સજાવટ હવે એ સાફાની
હા, હતી આનબાન, ભૂલી જા
હોય વખ તો, ધરબ એ પાતાળે
હોય ના વથનાં દાન, ભૂલી જા
ચંદ્ર શું, સૂર્ય પણ થયો છે ગુમ
ઊજળું આસમાન ભૂલી જા
હાથ છે, હામ છે, હિફાઝત છે
છે કોઈ પાસબાન, ભૂલી જા
જાન છે તો જહાન છે ‘દીપક’
જે થયું મ્હેરબાન, ભૂલી જા
~ દીપક બારડોલીકર (23.11.1925 – 12.12.2019)
કવિ તરીકે જાણીતા દીપક બારડોલીકરનું મૂળ નામ મૂસાજી હાફિઝજી. બાદમાં તેઓ પાકિસ્તાનનાં કરાંચીમાં સ્થાયી થયા હતા. પાકિસ્તાનના જાણીતા અખબાર ‘ડોન’ની ગુજરાતી આવૃત્તિના તંત્રી તરીકે તેમણે સેવાઓ આપી છે. નિવૃત્તિ બાદ તેઓ યુ.કે.ના માંચેસ્ટરમાં સ્થાયી થયા હતા. એમનાં જીવનસાથીનું નામ ફાતિમા અને ત્રણ સંતાનો.
દીપક બારડોલીકરના અત્યાર સુધીમાં કુલ 23 પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યાં છે. જેમાં 13 કવિતાસંગ્રહો, પાંચ ઇતિહાસ–સંશોધન, એક લેખસંગ્રહ, બે ભાગમાં વહેંચાએલી આત્મકથા, એક સંસ્મરણ અને એક સંપાદનનો સમાવેશ થાય છે.
કાવ્યસંગ્રહો : 1. પરિવેશ 2. મોસમ 3. આમંત્રણ 4. વિશ્વાસ 5. તલબ 6. એની શેરીમાં 7. ગુલમહોરના ઘૂંટ 8. ચંપો અને ચમેલી 9. હવાનાં પગલાં 10. ફુલ્લિયાતે દીપક 11. તડકો તારો 12. પ્યાર 13. રેલો અષાઢનો
કવિના જન્મદિવસ પર ભાવપૂર્ણ કાવ્યાંજલિ
કાવ્યાંજલી બધીજ રચનાઓ ખુબ સરસ
ખૂબ જ સરસ ગઝલો. એમના વિશે ખૂબ વાચ્યું છે.