દિનવિશેષ : પિનાકીન ઠાકોર ~ બે ગીત * Pinakin Thakor
🥀 🥀
મારાં તો માનવીનાં ગીત રે
કાચી તે કાયા કેરી, મમતા બાંધ્યાની એની રીત રે
મારાં તો માનવીનાં ગીત રે
માળા બાંધીને એતો,બેસે જઈ ઝૂલવારે
હૈયાના હેતમાં આ દુનિયાને ભુલવારે
ભવભવનાં વેરી સંગે મનડું માંડે છે મોંઘી પ્રીત રે
મારાં તો માનવીના ગીત રે
મનખાની માયા મારી, કેમે ના છૂટશે રે
દોરી આ આયખાની ક્યારે ના તૂટશે રે
ઘડીપલનાં ઘટમાં એતો, જુગજુગ માણ્યાની એની જીત રે
મારાં તો માનવીનાં ગીત રે
~ પિનાકીન ઠાકોર (24.10.1916 – 24.11.1995)
🥀 🥀
*હો રંગરસિયા*
હો રંગરસિયા હો રંગરસિયા,
રમવા આવો આવો રાજ રે,
સંગ મળ્યાં-માણ્યાં નિત રૈ હૈડે હસિયાં.
ઢોલીડા તેડાવો ઝાંઝર બાંધશું,
ને ચાલુ ચમકતી ચાલ;
એને ઠમકે લેશું તાલ,
મીઠાં વાગે મોરલી ઝાંઝ પખાજ રે,
બેય ગળાં ગાણાએ સાંધશું :
રાસે રમશું રાધા કાનજી વ્રજવસિયાં.
મારે તે દરબારે ઢાળ્યા ઢોલિયા,
કંઈ ઢાળ્યા રે ચોપાટ,
બાંધ્યા ઝૂલે હીંડોળા-ખાટ,
ફૂલ સુંવાળી સેજે રેશમ સાજ રે,
રાત રહી જાઓ નાહોલિયા,
સુખના જાણે બારે મેહ વરસિયા.
મારો દહાડો ઊગે કેસૂડાને ક્યારડે.
મારા સોનાના બપ્પોર,
પીઠી ઢોળ્યા ઢળતા પ્હોર,
કેસર વરણે ઝળહળ ઝળતી સાંજ રે,
રૂડા રંગ મહલને ઓરડે,
શોભીશું જેવાં રે રાઘવ રામસિયા.
~ પિનાકીન ઠાકોર (24.10.1916 – 24.11.1995)
બન્ને રચનાઓ ખુબ સરસ
વાહ, ખૂબ સરસ ગીતો