આવજો…
લ્યો ત્યારે કીડીબાઈ આવજો…
ટિફિનમાં મૂક્યા છે ખાંડના બે દાણા જો ઈચ્છા પડે તો મમળાવજો.
લ્યો ત્યારે કીડીબાઇ આવજો…
જો આવી છુક છુક છુક છુક છુક છુક કરતી આ ટ્રેન જેવી કીડીની હાર
નાનું આ ગામ છે ને પેસેન્જર થોડા તે થોભે છે ક્યાં જાજી વાર ?
જલ્દીથી ક્યાંક એમાં ગોઠવાઇ જાવ અને ધીમેથી ગાડી ચલાવજો.
લ્યો ત્યારે કીડીબાઈ આવજો…
રસ્તામાં ક્યાંય તમે ઉતરતા નહીં અને અંદરથી રાખજો તાળા
ઊંચી દીવાલો ને છતમાં તો આવે છે મોટ્ટા કરોળિયાના જાળા
ભૂલેચૂકે જો કોઈ આવી ચડે ને તો ભેગા મળીને હંફાવજો.
લ્યો ત્યારે કીડીબાઈ આવજો…
ઘેરે પહોંચીને તમે ટેલિફોન કરજો ને બધાને આપજો યાદ
અહીંયા તો કોઈ ક્યાં ભૂલી શકવાનું છે તમારા ચટકા નો સ્વાદ
આ વખતે જ્યારે પણ પાછા આવોને તો સાથે મંકોડાને લાવજો.
લ્યો ત્યારે કીડીબાઇ આવજો…
~ કૃષ્ણ દવે