ભરત યાજ્ઞિક ‘શ્યામ’ ~ પાંપણ પર

🥀 🥀


પાંપણ પર ચોમાસું પહેરી અમે પછી વરસાદે ચાલ્યા

ધસમસ ધસમસ સોળ વરસની થઈ નદી વરસાદે ચાલ્યા

ભીંજાવાનો ભેજ ભયાનક પ્રસરી બેઠો આંખો વચ્ચે
તમે ઉઘાડા નીકળ્યા કોરી લઈ છત્રી વરસાદે ચાલ્યા

કોઈ રુંવાડે વહેવા લાગ્યો મેઘદૂતનો શ્લોક આઠમો
ઘટાટોપ વાદળના ઢગલા હળવે અડી વરસાદે ચાલ્યા

અંગરખું ઝરમર ટીપાનું વાંકી ટોપી મેઘધનુનું,
છેલછબીલા ઘરવાળાના ધણી બની વરસાદે ચાલ્યા

ઉગ્યા અંકુર આંખો વચ્ચે લેલુંબ ખેતર લાગણીઓનું
અંગ-અંગથી લીલું-પીળું વ્હાલ લણી વરસાદે ચાલ્યા

હવે ચલમ, તમાકુ તાણો વરસ થયું છે સોળ આનીનું
માઝમ કાળી ડીબાંગ રાતો મળી-ભળી વરસાદે ચાલ્યા

~ ભરત યાજ્ઞિક (14.11.1950 )

2 thoughts on “ભરત યાજ્ઞિક ‘શ્યામ’ ~ પાંપણ પર”

  1. કોઈ રુંવાડે વહેવા લાગ્યો મેઘદૂતનો શ્લોક આઠમો
    ઘટાટોપ વાદળના ઢગલા હળવે અડી વરસાદે ચાલ્યા. interesting.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *