ભરત યાજ્ઞિક ‘શ્યામ’ ~રિક્ત છે

🥀 🥀

રિક્ત છે મારું કમંડળ, હે તથાગત! આવજો;
મારી પ્રજ્ઞાનું સ્થળાંતર, હે તથાગત! આવજો!

તમસ-આવૃત્ત સૌરમંડળ, હે તથાગત! આવજો;
પૂંજ વરસો દૂર પાંતર હે તથાગત! આવજો.

નેહ નીતર્યાં નેણનો તંતુ અમે પકડ્યો છતાં
વેંત પણ ઘટતું ન અંતર, હે તથાગત! આવજો.

ભૈરવીનો સૂર સાંભળવા મથું છું, ક્યાં હશે?
પટ ઉપર પાછા પટંતર, હે તથાગત! આવજો.

બસ બધાના શરણમાં જાવાનો ક્રમ પૂરો થયો,
માટીમાં મૂકોને મંતર, હે તથાગત! આવજો.

બૌધિસત્વો ક્યાં ગયાં? નેપથ્યમાં આપો પ્રવેશ,
મતની માંહે મતાંતર, હે તથાગત! આવજો.

હું નથી આનંદ શો કે ભદ્ર થઈ જાઉં ભદંત,
વેશના બધાં રૂપાંતર, હે તથાગત! આવજો!

~ ભરત યાજ્ઞિક (14.11.1950 )

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *