કવિતા શાહ ~ આવી તે & ઊગી નથી * Kavita Shah
🥀 🥀
આવી તે કેવી જાતરા સાંઈ!
માત્ર ને માત્ર આવજા સાંઈ!
એક આ પાર હું અને સામે,
એકધારી છે આપદા સાંઈ.
ના ઠરે, થરથરે, અકાળે દીપ
માવજત જો કરે હવા સાંઈ.
એક વખત માત્ર દેખવાનું સુખ
નિત્ય દૃશ્યો ભરે સભા સાંઈ.
મારી સાથે સદાય સત્ ચાલે
એટલી મારી આરદા સાંઈ.
છોડવાનો જ છે ખબર રાખી,
શ્વાસની કરવી સરભરા સાંઈ.
~ કવિતા શાહ
🥀 🥀
ઊગી નથી સવાર તમારા ગયા પછી
એના જ એ વિચાર તમારા ગયા પછી
હૈયે નથી કરાર તમારા ગયા પછી
ખુશી થઈ ફરાર તમારા ગયા પછી.
બીમારની દશા વિશે જો ટુંકમાં કહું,
સૌ વ્યર્થ ઉપચાર તમારા ગયા પછી.
ભેટો થયે કહીશ વિગતવાર હું કથા,
કરતાં સ્મરણ પ્રહાર તમારા ગયા પછી.
રસ્તો, નયન અને હું હજુ ત્યાં જ બસ ઊભી
વર્ષો થયાં પસાર તમારા ગયા પછી.
પીળું જગત દીસે, બધી લીલોતરી મને
છોડી ગઈ ધરાર તમારા ગયા પછી.
કારણ વગર જ કોઈ, ‘કવિતા’ ઉદાસ છે
આવ્યો નથી નિખાર તમારા ગયા પછી.
~ કવિતા શાહ
👏👏👏👏👏👌👌👌👌
બંને રચનાઓ ભાવસભર.
કવિતાજીને નમન 🙏
વાહ બન્ને ગઝલ મર્મજ્ઞ અને હ્રદયગમ્ય છે.
These are really really good and something more
કવિયત્રી રચનાઓ દ્વારા કહેવાનું કહી શક્યાં છે.
સરસ ગઝલાભિવ્યતિ.
બન્ને રચનાઓ ખુબ સરસ ખુબ ગમી
સરસ સરલ સુંદર રચનાઓ
સૌનો ખૂબ આભાર
ખૂબ પ્રેમ ❤️ લતાબેન
વાહ.. બન્ને ગઝલો સરસ
ખૂબ સરસ,