ઉદયન ઠક્કર ~ અહીં મેં & ગુમાઈ છે

🥀 🥀

*વ્યથા સંભળાવી લીધી*

અહીં મેં પ્રથમ મેઘને વ્યથા સંભળાવી લીધી
અને ત્યાં પ્રિયાએ તરત તાડપત્રી લગાવી દીધી

નયન ગમે તો નયન, હૃદય ગમે તો હૃદય,
હવાફેર માટે તને જગા બે બતાવી દીધી

એ તો હસ્તરેખાઓનું નસીબ જોર કરતું હશે
હથેળીમાં લઈ એમણે હથેળી દબાવી લીધી

કોઇ પહેરી કંકણ ફરે કોઈ કુંડળોને ધારે
અમે કંઠી વરસાદની ગળામાં સરાવી લીધી

કે વરસાદના નામ પર તો કૈં કૈં અડપલાં થયાં
નદીએ વગર હકની જમીનો દબાવી લીધી

બે આંખોના ગલ્લા પર ધસારો થયો દૃશ્યનો
વરસભરની આવક જુઓ પલકમાં કમાવી લીધી

આ વરસાદમાં જાતનું થવાનું હતું તે થયું
જરા ઓગળી ગઈ અને વધી તે વહાવી લીધી

~ ઉદયન ઠક્કર (28.10.1955)

હળવાશ અને હળવાશ…..

મેઘને વ્યથા સંભળાવતા પ્રેમીની પ્રિયતમા તાડપત્રીની આડશ ઓઢી લે….   

નયન અને હૃદય… પ્રિયાને હવાફેર માટેની જગ્યા…..

નદી અણહકની જમીન દબાવી લે

આંખોના ગલ્લા પર દૃશ્યોનો ધસારો થાય…

કવિતામાં જાત ઓગળી જાય અને વહી પણ જાય… વાહ કવિ    

🥀 🥀

*ગુમાઈ છે*

ગુમાઈ છે ગુમાઈ છે ગુમાઈ છે,
કોન્વેન્ટ સ્કૂલનાં કંપાઉન્ડમાંથી,
સંચાલકો અને માતા-પિતાની,
બેદરકારીને કારણે,
પલક મીંચવા-ઉઘાડવા વચ્ચેની કોઈ ક્ષણે…..
ગુજરાતી
વાંચતી–લખતી એક આખી પેઢી.

ઓળખવા માટે નિશાની : કાનુડાએ
કોની મટકી ફોડી ? –એમ પૂછો તો કહેશે,
જેક એન્ડ જિલની…..

ગોતીને પાછી લાવનારને માટે,
ઇનામ…
એકેય નથી.
કારણ કે એ હંમેશને માટે ગુમાઈ ચૂકી છે.

~ ઉદયન ઠક્કર

ગુજરાતી માધ્યમમાં ભણતાં બાળકો હજી ગામડામાં છે. પણ શહેરોમાં ? ગામડાં ખાલી થતાં જાય છે અને શહેરો ઊભરાતા જાય છે એટલે ગુજરાતીમાં ભણતાં બાળકો શોધવા પડે એ ભવિષ્ય આજે તો સૌને દેખાઈ રહ્યું છે.

કવિએ હળવાશથી છતાંય વેધક રીતે આ વાત મૂકી છે. ક્યારેક એવા સમાચાર વાંચ્યાનું યાદ છે કે એક … સરકારી સ્કૂલમાં એડમિશન માટે લાઇન લાગે છે. માહિતી નોંધી નહીં લેવાનો અફસોસ છે. પણ એવુંયે ક્યાંક બને છે ખરું!

🌹પ્રિય કવિને જન્મદિવસની શુભકામનાઓ🌹

મિત્રો, કવિ ‘ઉદયન ઠક્કરના ઉત્તમ કાવ્યો’ આપ Ekatra Foundation પર પણ વાંચી શકશો.

4 Responses

  1. Parbatkumar nayi says:

    વાહ

    ખૂબ ખૂબ ખૂબ શુભેચ્છાઓ

  2. Kirtichandra Shah says:

    Really Really Good Enjoyed Masti full to vadi meaning full pan

  3. જન્મદિવસ ની ખુબ ખુબ શુભ કામના સરસ રચનાઓ

  4. હરીશ દાસાણી.મુંબઈ says:

    નિત્ય નૂતન રીતે વ્યક્ત થતા રહેલા પ્રિય ઉદયનભાઈ ઠક્કરને જન્મદિવસ પર ખૂબ ખૂબ અભિનંદન અને સ્નેહપૂર્ણ શુભેચ્છાઓ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: