ઉર્વી પંચાલ ~ ક્યાં કહું છું & રોજ હૃદયે * Urvi Panchal
🥀 🥀
કયાં કહું છું હું કદી કે ચાલ સાથે આવ તું,
ને છતાં દુર્ભાગ્ય મારું, સાથ આપે છે મને.
સાવ અંધારા દિવસ, આવી ચડે કયારેક તો,
એ અનુભવ પાછલા, અજવાશ આપે છે મને.
છે બધા પરિચિત છતાંયે, એકલી છું ભીડમાં,
રોજ એકલતા બધે, સંગાથ આપે છે મને.
એ જ મહેફિલ, એ જ લોકો, શેર મારા અવનવા,
ને છતાં યે કોણ જોને, દા‘દ આપે છે મને!
પાંખ તો અકબંધ છે, ફફડાવવાની વાર છે
આંબવાને કયાં નવું, આકાશ આપે છે મને.
જે સમય વીતી ગયો, એની જ આભારી “ઉરુ”
કે સ્મરણની એકલી વણઝાર આપે છે મને.
~ ઉર્વી પંચાલ ‘ઉરુ’
પીડાની અભિવ્યક્તિ વાસ્તવિકતાના સ્વીકાર સાથે.
🥀 🥀
રોજ હૃદયે શ્વાસ ફૂંકે જિંદગી!
પણ કદી કયાં હાલ પૂછે જિંદગી!
સ્વપ્ન આંખોમાં ભરીને ખોલતી,
કેટલો વિશ્વાસ મૂકે જિંદગી!
હું પકડ મજબૂત રાખું તે છતાં,
રોજ રેતી જેમ છૂટે જિંદગી.
જીવવા મથતી રહું છું શોખથી,
પણ જૂઓને રોજ ખૂટે જિંદગી.
જોડવા છે કેટલા અવસર હવે,
પણ કરું શું ? રોજ તૂટે જિંદગી!
દીપનો અજવાશ મળતો હોય ત્યાં ,
કેમ આ અંધાર ઘૂંટે જિંદગી !
એક પાછળ એક છૂટે સગપણો,
જો ‘ઉરુ’ ને રોજ લૂંટે જિંદગી.
~ ઉર્વી પંચાલ ‘ઉરુ’
‘સ્વપ્ન આંખોમાં ભરીને ખોલતી, કેટલો વિશ્વાસ મૂકે જિંદગી!’ ગમી જાય એવો શેર થયો છે નહીં !
Nice
સરસ છે
ખુબ સરસ રચનાઓ ખુબ ગમી
બન્ને રચનાઓ સરસ છે.
“હું પકડ મજબૂત રાખું તે છતાં,
રોજ રેતી જેમ છૂટે જિંદગી.” વિશેષ ગમી.
સરયૂ પરીખ.
આભાર આદરણીય સરયૂબેન 🙏