‘જય આદ્યાશક્તિ’ આરતી વિશેષ ~ સાંઈરામ દવે * Shivanand Swami * Sairam Dave
🥀 🥀
*ભણે શિવાનંદ સ્વામી*
લગભગ 481 વરસ પહેલાની આ વાત છે. સુરતના અંબાજી રોડ પર નાગર ફળિયામાં રાઘવ હરિહર પંડ્યાનું ઘર આવેલું. ‘રામનાથી પંડ્યા’ તરીકે ઓળખાતા આ પરિવારમાં રાઘવજીને બે પુત્રો હતા. એક વામદેવ અને બીજા સદાશિવ. સમગ્ર પરિવારની શ્રદ્ધા રામનાથ મહાદેવ સાથે જોડાયેલી.
સદાશિવને 35 વરસની ઉંમર સુધી ખાસ કંઈ આવડતું નહી. કુટુંબમાં કોઈએ સદાશિવને મેણું માર્યુ. સદાશિવને સ્વજનનું મેણું કાળજાળ લાગ્યું. પરિવારના ઇષ્ટદેવના મંદિરે જઈ તેઓ ઉપવાસ પર બેસી ગયા. કેટલાય દિવસોના નામસ્મરણ અને ઉપવાસ બાદ કોઈ સાધુ ત્યાં આવ્યા. જેણે સદાશિવને આશીર્વાદ આપી શક્તિપાત કર્યો. લોકવાયકા મુજબ એ સાધુ બીજા કોઈ નહી પરંતુ સ્વયં દુર્વાસા ઋષિ હતા.
ઋષિ દુર્વાસાના આશીર્વાદથી સદાશિવ સંસ્કૃતના પ્રખર વિદ્વાન બન્યા. તેઓ શાસ્ત્રજ્ઞ અને મંત્રશાસ્ત્રી થયા. એમના દાદાએ સંસ્કૃતના નવ ગ્રંથો લખેલા. વિદ્વતાનો એ વારસો સદાશિવજીએ જાળવી રાખ્યો. પરંતુ તેમના બંને સંતાનોને સંસ્કૃત અને સાહિત્યમાં બહુ રૂચિ નહોતી. મોટાભાઈ વામદેવના ઘરે ઇ.સ. 1541માં શિવાનંદ નામના અતિ તેજસ્વી પુત્રનો જન્મ થયો. પિતા વામદેવ નાની ઉંમરે મૃત્યુ પામ્યા અને બાળક શિવાનંદના ઉછેરની જવાબદારી સદાશિવજીને સોંપતા ગયા.
સમય જતા આ કાકા ભત્રીજાની જોડી જામી ગઈ. સદાશિવજીએ પોતાના અંત સમયે પોતાનું સર્વસ્વ ભત્રીજા શિવાનંદમાં ઠાલવી દીધું. દોસ્તો, આ શિવાનંદ એ જ આપણા ‘જય આદ્યાશક્તિ’ આરતીના રચિયતા, બૈજવાપાસ ગોત્રમાં નાગર-બ્રાહ્મણ પરિવારમાં 481 વરસ પહેલાં સુરત ખાતે અવતરેલા આ મહાપુરુષની રચેલી આરતી ગાયા વગર ગુજરાતની કોઈ ગરબીના શ્રીગણેશ થતાં નથી કે વિરામ પણ…!
આ મહાપુરુષ વિશે બહુ ક્યાંય માહિતી પ્રાપ્ત પણ નથી. હું જ્યારે જ્યારે ‘ભણે શિવાનંદ સ્વામી’વાળી કડી ગાતો ત્યારે મનમાં એક પ્રશ્ન થતો કે કોણ હશે આ શિવાનંદ સ્વામી? ક્યાંના હશે? આ આરતી રચવા પાછળ કઈ ઘટના હશે? આરતીના સાચા શબ્દો ક્યા હશે? સાચા દિલથી કરેલી પ્રાર્થના સદા ફળે છે. તેનો આ લેખ પૂરાવો છે. ગત મહિને સુરતના એક કાર્યક્રમમાં નીતિનભાઈ ભજીયાવાલા નામના વડીલ ચાહકે મારા હાથમાં ગણપતલાલ પંચીગર સાહેબનું નાનકડું અપ્રાપ્ય પુસ્તક મૂક્યુ જેમાં શિવાનંદજીના જીવન-કવનની સુંદર માહિતી મળી જે તમારા સુધી પહોંચાડુ છું.
શિવાનંદજીએ સંસ્કૃત-ગુજરાતી-મરાઠી-હિન્દીમાં પણ કાવ્યો લખ્યા છે. પરંતુ લોકો સુધી માત્ર તેની આરતી જ કંઠોપકંઠ સ્મૃતિથી જીવે છે. પંચીગરજીના મત મુજબ તેમણે 215 જેટલી કૃતિઓ રચી છે. જેમાં થોડાક ભજનો હનુમાનજીના અને બબ્રીક (બળીયાકાકા)ના અને તાપીમાતાનો ગરબો પણ ખાસ છે. પણ ક્યાં છે શિવાનંદજીની બાકી રહેલી અદ્દ્ભુત રચનાઓ? જેનું કોઈ પુસ્તક નથી. સુરત કે દક્ષિણ ક્ષેત્રના વડીલોને કદાચ શિવાનંદજીના કોઈ પદો હૈયે હોય તો જ આ વિરાસત આપણને પાછી મળે.
એ સમયે શિવાનંદજીના ઘેર પાઠશાળા ચાલતી. ચાલીસથી વધુ વિદ્યાર્થીઓ ત્યાં અભ્યાસ કરતા. તેમના પદો સુરતના મંદિરો અને ઘરોમાં આદરપૂર્વક ગવાતા. શિવાનંદજીની પવિત્રતા અને લોકપ્રિયતા એવી હતી કે સુરતની ટંકશાળામાં જ્યારે જ્યારે કોઈ એકસો તોલા સોનું ગળાવે ત્યારે તેમાંથી એક આની (1/16 તોલું ) સોનું પ્રેમપૂર્વક શિવાનંદજીને ભેટ ધરાતું. મજાની વાત એ કે શિવાનંદજીની છઠ્ઠી પેઢીએ ત્રિપુરાનંદજીની દીકરી ડાહીગૌરી સાથે આપણા વીર કવિ નર્મદે બીજા લગ્ન કર્યા. આમ ‘જય જય ગરવી ગુજરાત’નો સૌ પ્રથમ જયઘોષ કરનાર વીર કવિ નર્મદ શિવાનંદજીની પેઢીના જમાઈ હતા. શિવાનંદજીએ જીવનના ઉતરાર્ધમાં 85 વરસે સન્યાસ લીધો જેથી શિવાનંદસ્વામી કહેવાયા અને ઇ.સ. 1626માં સમાધી લઈ આ મહાપુરુષે મહાપ્રયાણ કર્યું.
‘જય આદ્યાશક્તિ’ આરતીની કુલ અઢાર કડી જ છે. ત્યારબાદ અમુક ક્ષેપક કડીઓ ભક્તોએ જોડેલી છે. શિવાનંદજીએ શિવશક્તિનું કોઈ પવિત્ર અનુષ્ઠાન કર્યાની ધારણા છે. જે દરમ્યાન તેમણે આ આરતી રચી છે. આ આરતીમાં એકમથી પુનમ સુધીનો તિથિક્રમ છે અને શિવાનંદજીના પોતાના સ્વાનુભવ પણ છે. માતાજીના પરમધામ મણિદ્વીપમાં મણિ-માણેકના અઢાર કિલ્લા છે. જેના લીધે તેમણે આ અઢાર કડીની આરતી રચેલી છે. જેમના કેટલાક શબ્દો પાઠફેર અને અપભ્રંશ પામ્યા છે. કંઠોપકંઠ સચવાતી કૃતિઓમાં આવી ભરપુર શક્યતાઓ રહે એવું શ્રી ગણપતભાઈ પંચીગર પણ સ્વીકારે છે. તેમ છતાં અમુક શબ્દોના તેમણે ખૂબ સચોટ અર્થ આપેલા છે. જેમ કે ‘જયોમ જયોમ મા જગદંબે’ નો કોઈ અર્થ જ નથી. ‘જય હો – જય હો મા જગદંબે’ જ સાચો શબ્દ છે. એક નજર મારીએ ચાર સદી પહેલાંની રચાયેલી અણમોલ કૃતિ તરફ અને જ્યાં જ્યાં આપણો પાઠદોષ કે ઉચ્ચારણદોષ છે તે સુધારીએ. કોઈપણ જાતની ટેક્નોલોજી વગર 400 વરસથી જે આરતી ગુજરાતી-હિન્દીમાં સમગ્ર ભારતના ઘરે ઘરે ગવાય છે એજ આપણા માટે ગૌરવપ્રદ ઘટના છે. અહીં માત્ર અપભ્રંશ થયેલ શબ્દો અને અંતરા પર જ પ્રકાશ પાડ્યો છે.
“જય આદ્યાશક્તિ મા જય આદ્યાશક્તિ,
અખિલ બ્રહ્માંડ નીપજાવ્યા પડવે પંડે થયા, જય હો જય હો મા જગદંબે”
અહી કેટલાક ‘પડવે પંડિત થ્યા’ બોલે છે જે અશુદ્ધ છે.
“બ્રહ્મા ‘ગુણપતિ’ ગાયે હર ગાયે હર મા”
અહીં કેટલાક ‘ગણપતિ’ ગાયે એમ બોલે છે. જ્યારે કવિએ વિષ્ણુ ભગવાન માટે ‘ગુણપતિ’ શબ્દ પ્રયોજ્યો છે. બ્રહ્મા વિષ્ણુ અને હર (શિવ) શિવશક્તિના ગુણ ગાયા એ ભાવ છે.
“ત્રય: થકી ત્રિવેણી, તમે ત્રિવેણી મા”
ઘણા ‘તમે તરવેણીમા’ બોલે છે જે અશુદ્ધ છે. અહીં નવસર્જન, પરિપાલન અને વિસર્જનની ત્રણેય પ્રવૃત્તિને ત્રિભુવનેશ્વરી ‘ત્રિવેણી’ માતા છો એ સંદર્ભ છે.
“ચોથે ચતુરા મહાલક્ષ્મી મા સચરાચર વ્યાપ્યા,
ચાર ભૂજા ચૌ દિશા પ્રગટ્યા દક્ષિણમાં”
અહીં શિવાનંદજીને નર્મદા નદીને કાંઠે દક્ષિણ દિશામાં માતાજી દર્શન આપ્યાનો અનુભવ કવિએ લખ્યો છે. જ્યાં ચતુરા મહાલક્ષ્મીનો અર્થ છે, જેની પાસે ધન છે તે ચતુર ગણાય.
“પંચમેં પંચઋષિ, પંચમે ગુણપદ મા”
‘ગુણપદ’ શબ્દનો અર્થ એકબીજાથી વિભિન્ન પ્રકારના લક્ષણો થાય. પાંચ મહાભૂત તત્વો જગદંબાએ ઉત્પન્ન કર્યા અને તેની વ્યવસ્થા સંભાળવા પાંચ બ્રહ્મર્ષિ ઉત્પન્ન કર્યા.
“સપ્તમે સપ્ત પાતાળ, સાવિત્રી સંધ્યા,
ગૌ – ગંગા – ગાયત્રી, ગૌરી – ગીતા મા”
માનવ શરીરમાં રહેલા સાત ચક્રોની આંતર ચેતના વધારવા માટે શિવાનંદજીએ સાત ઉપાયો અહી આપ્યા છે. કેટલાક ‘સંધ્યા સાવિત્રી’ બોલે જે ખોટું છે. 1. સાવિત્રી એટલે સૂર્ય ઉપાસના, 2. સંધ્યા એટલે ત્રિકાળ સંધ્યા અથવા સાંજે ભજન કીર્તન 3. ગૌ સેવા 4. ગંગા સ્નાન 5. ગાયત્રી મંત્ર જાપ 6. ગૌરી અર્થાત પાર્વતી દેવીની સાધના 7. ગીતાજીનો ઉપદેશ. આ કડી માત્ર શબ્દમેળ નથી પણ ગુઢાર્થ સમજવો જરૂરી છે.
“કીધા હરિ બ્રહ્મા’ની જગ્યાએ કોઈ હર બ્રહ્મા બોલે છે. ખરેખર હરિ (વિષ્ણુ) અને બ્રહ્માએ શિવ-શક્તિની પૂજા કરે છે એ સાચો ભાવ છે.
“કામ દુર્ગા કાલિકા, શ્યામા ને રામા”
અર્થાત કામદુર્ગા દેવી, કાલિકા અને શ્યામા (રાધાજી), રામા (સીતાજી)ની ભક્તિ તરફ શિવાનંદજીનો અંગુલીનિર્દેશ છે.
“તેરસે તુળજા રૂપ તમે તારૂણી માતા” વાળી કડીમાં હે મા! તમે તુલજા ભવાની રૂપે શિવજીને તલવાર આપી હિંદુ ધર્મને તારનારા છો તથા જવારાના સેવનથી ચિરકાળ તારુણ્ય બક્ષનારા છો.
વિક્રમ સંવત 1622માં શિવાનંદજીની સાધના શરૂ થઈ અને 1657માં પૂર્ણ થઈ એવી ધારણા છે. તેમજ ચતુર્ભુજ સ્વરૂપે માતાજીએ કવિને દર્શન આપ્યા. ત્રંબાવટી, રૂપાવટી અને મંછાવટી આ ત્રણ એ વખતની નજીકની નગરીના લોકોએ શિવાનંદજીને આ અનુષ્ઠાનમાં તન-મન-ધનથી મદદ કરી જેથી તેના આશરે ‘સોળ સહસ્ત્ર’ સોળ હજાર લોકો વતી કવિએ પ્રાર્થના કરી વિશિષ્ટ રૂપે આશીર્વાદ માંગ્યા.
અઢારમી કડીમાં ભણે શિવાનંદ સ્વામી પછીના તમામ અંતરા એ ભાવજગતથી ભક્તોએ જોડેલા છે. આગામી દિવસોમાં આપણી આવનારી પેઢી સુધી સાચી ધરોહર સાચા સ્વરૂપમાં પહોંચાડીશું અને સાચી આરતી ગાશું તો ભગવતી અને કવિ શિવાનંદ સ્વામી સ્વર્ગમાંથી રાજી થાશે.
( વિશેષ આભાર શ્રી ગણપતલાલ પંચીગર તથા નિતીનભાઈ ભજીયાવાલા-સુરત. )
સૌજન્ય : દિવ્ય ભાસ્કર
પેપરમાં આવેલ આ લેખની તારીખ નોંધવાની ચુકાઈ ગઈ છે. ક્ષમસ્વ 🙏🏻
વાહ ખુબ સરસ માહિતીસભર લેખ ખુબ ખુબ અભિનંદન કાવ્ય વિશ્વ
આટલી સરસ માહિતી આપવા બદલ આભાર.