કવિ મણિલાલ હ. પટેલનો એક રોચક પ્રસંગ  

કવિને કવિતા ક્યાંથી મળે છે ?

કવિ મણિલાલ હ. પટેલનો એક રોચક પ્રસંગ.

તેઓ કોલેજમાં ભણતા હતા અને એમની સગાઈ થઈ. વાગ્દત્તાને મળવાનું મન હોય સ્વાભાવિક છે. કવિ પોતાના સાસરે ગયા પણ એમને દૂરથી જોઈને એમની વાગ્દત્તા તો ઘરની ઓસરીમાંથી અદૃશ્ય થઈ ગઈ. તેઓ બે દિવસ રોકાયા છતાં એનું દર્શન ન થયું તે ન જ થયું. અંતે કવિને નિરાશ થઈને પાછા આવવું પડ્યું. એ પછી કવિને પોતાને થયેલી લાગણીઓ પોતે નાયકને બદલે નાયિકાના ભાવોમાં મૂકી અને એક સોનેટ રચ્યું.

(શિખરિણી-સૉનેટ)

પરોઢે આવેલા સપન સમ આવ્યા પિયુ તમે
અહીં મારે ઘેરે, સ્વજન વચ હું એકલ ઊભી-
કમાડે અંઢેલી, નયનજલ રોકી નવ શકી :
રડી હર્ષે હું વા વિરહ-દુઃખ ?-જાણી નવ શકી

તમે આવ્યા ત્યારે મૂક રહી કશું યે નવ કહ્યું;
ન જોયું પૂરું મેં તવ મુખ અને પાંપણ ઢળી
હતું હૈયે એવું કર પકડશો, કૈંક પૂછશો…
ઉવેખી લજ્જાને સ્વજન વચ એ ય નવ થયું !

વિના બોલ્યા, ચાલ્યા ? કશું પણ કથ્થું નૈ નજરથી ?
તમે આવ્યા શું ને પ્રિયતમ ગયા એ ય શમણું !
સવારે ઊઠું ને પગથી પરનાં ચૂપ પગલાં
થઈ સાચાં મારા વિરહકૂશ પાદે ચચરતાં,

રડી આંખો ધોઉં, શિશિર ઋતુમાં અંગ સળગે
તમે ? ના…ના, સૂના પથ નજરને આવી વળગે !

~ મણિલાલ હ. પટેલ

કવિનું આ સોનેટ ‘કુમાર’માં છપાયું અને શ્રેષ્ઠ સોનેટ તથા શ્રેષ્ઠ કાવ્યનો કુમાર એવોર્ડ મળ્યો. કવિ પોતે કોલેજમાં ભણતા અને આ સોનેટ અભ્યાસક્રમમાં હતું ! કેટલી રોમાંચક કાવ્યયાત્રા ! 

3 thoughts on “કવિ મણિલાલ હ. પટેલનો એક રોચક પ્રસંગ  ”

  1. સુરેશ ચંદ્ર રાવલ

    ખૂબ સરસ સોનેટ… સ્પર્શી ગયું અંદર સુધી… આન્તર મનની વ્યથા કરતું જાય છે કાવ્ય… હા આજકાલ સોનેટનો દુષ્કાળ ચાલી રહ્યો છે…

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *